તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની પુણા પોલીસે સાસણગીરમાંથી ધરપકડ કરી
ખંડણી અને IT Actના ગુનામાં તે ફરાર હતી: ટેકનિકલ સર્વેલન્સથી તેનું લોકેશન ટ્રેસ કરાયું :નયના ભાવનગરના સિહોર પંથકની રહેવાસી:તેની સામે અગાઉ મારામારી, પ્રોહિબિશન તથા એટ્રોસિટી સહિત 6 ગુના નોંધાયા છે

પુણા પોલીસને મોટી સફળતા મળી છે. સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ અને કીર્તિ પટેલની સાથીદાર તરીકે ઓળખાતી નયના બારૈયાની ધરપકડ કરવામાં આવી છે. ખંડણી અને IT Act હેઠળ નોંધાયેલા ગુનામાં નયના બારૈયા લાંબા સમયથી ફરાર હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તેનું લોકેશન ટ્રેસ કરી સાસણગીરમાંથી ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ, પુણા પોલીસ સ્ટેશનમાં 33 વર્ષિય નયના બારૈયા સામે ગંભીર ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ તે પોલીસની પકડથી દૂર હતી. આ મહિલા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા સતત ટેકનિકલ વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન પોલીસને નયનાનું લોકેશન સાસણગીર વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી.
ટેકનિકલ ઇનપુટના આધારે પુણા પોલીસની ટીમે સાસણગીરમાં ઓપરેશન હાથ ધર્યું હતું. સર્વેલન્સ ટીમે ચોક્કસ લોકેશન ટ્રેસ કર્યા બાદ મહિલા આરોપી નયના બારૈયાને ઝડપી પાડી હતી. ધરપકડ બાદ પોલીસે તેને સુરત લાવી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
નયના બારૈયા મૂળ ભાવનગર જિલ્લાના સિહોર પંથકની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, તેની સામે અગાઉ પણ વિવિધ પ્રકારના ગુના નોંધાઈ ચૂક્યા છે. ભાવનગરમાં મારામારી, પ્રોહિબિશન અને એટ્રોસિટી સહિત કુલ 6 ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી અને IT Act સંબંધિત ગુનામાં નયના બારૈયા આરોપી હતી અને આ કેસમાં તે ફરાર હતી. પોલીસે ટેકનિકલ વર્કઆઉટ અને સર્વેલન્સના આધારે તેની શોધખોળ હાથ ધરી હતી. અંતે સાસણગીરમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. હવે પોલીસ દ્વારા સમગ્ર કેસમાં તેની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સાસણગીરમાંથી ઝડપાયા બાદ પુણા પોલીસે નયના બારૈયાને સુરત લાવી છે. ધરપકડ બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે ખંડણી અને IT Act ના કેસ સાથે જોડાયેલા અન્ય પાસાઓ તેમજ અગાઉ નોંધાયેલા ગુનાઓ અંગે પણ તપાસ કરી રહી છે. નયનાની પૂછપરછ દરમિયાન કેસને લગતી વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
પોલીસ પકડથી બચવા અને ધરપકડ ટાળવા માટે તાજેતરમાં નયના બારૈયાએ સુરતની કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. આ મામલે કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા આરોપી નયના બારૈયાની અરજીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. બંને પક્ષોની વિસ્તૃત દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નયના બારૈયાના આગોતરા જામીન ફગાવી દીધા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, નયના બારૈયા ભાવનગરની એક મહિલા સરપંચના પતિ સાથે લીવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. પુણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુના મુજબ, નયના બારૈયા અને વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે સાથે મળીને એક મકાન માલિકને નિશાન બનાવ્યો હતો અને તેની પાસેથી 12 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી. આ ગંભીર ગુનો નોંધાતા જ પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ મોકલી આપી હતી.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
