News of Monday, 28th September 2026
દિલ્હીમાં પ્રદૂષણ સામે 'સર્જિકલ સ્ટ્રાઈક': ૧ નવેમ્બરથી બાંધકામો પર બ્રેક, ૫૦% સ્ટાફ માટે Work From Home અને પાર્કિંગ ફી થશે ડબલ
શિયાળામાં ઝેરી હવાની આફતથી બચવા સરકારનો માસ્ટર પ્લાન: વાહનોના પ્રવેશ પર કડક નિયંત્રણો અને BS-6 થી નીચેના બહારના વાહનો પર પ્રતિબંધ.

નવી દિલ્હી, તા.૨૮: દર વર્ષે શિયાળાની શરૂઆત સાથે જ દેશની રાજધાની દિલ્હીમાં ઝેરી વિષેલા ધુમ્મસ (સ્મોગ)ની ગંભીર સમસ્યા સર્જાય છે. આ શિયાળામાં પ્રદૂષણના આતંક સામે લડવા માટે દિલ્હી સરકારે અત્યારથી જ કમર કસી લીધી છે અને વર્ષ ૨૦૨૬-૨૭ની સીઝન માટે એક આક્રમક 'માસ્ટર પ્લાન' જાહેર કર્યો છે. ૧ નવેમ્બરથી લાગુ થનારા આ નવા નિયમોનો મુખ્ય હેતુ ધૂળ અને વાહનોના ઉત્સર્જન પર કડક લગામ લગાવવાનો છે.
આ નવા માસ્ટર પ્લાન મુજબ, ૧ નવેમ્બરથી ૨૮ ફેબ્રુઆરી સુધી દિલ્હીમાં ધૂળ ઉડાડતા તમામ પ્રકારના આઉટડોર સિવિલ બાંધકામ અને ડિમોલિશન (તોડી પાડવાની કામગીરી) પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, પ્રદૂષણના સૌથી ખતરનાક તબક્કા એટલે કે ૧૦ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી દરમિયાન રેતી, કાંકરી અને સિમેન્ટ જેવી સામગ્રી લાવતા બહારના વાહનોના દિલ્હી પ્રવેશ પર 'મહા-પ્રતિબંધ' રહેશે.
રસ્તાઓ પર વાહનોની ભીડ ઘટાડવા માટે સરકારે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રો માટે ૫૦% 'વર્ક ફ્રોમ હોમ' (WFH) અનિવાર્ય કર્યું છે. આ સમયગાળા દરમિયાન માત્ર ૫૦% સ્ટાફ જ ઓફિસે આવી શકશે. ટ્રાફિકનું ભારણ એકસાથે ન વધે તે માટે ઓફિસોના સમયમાં પણ ફેરફાર કરાયો છે. આ ઉપરાંત, બિનજરૂરી વાહનોનો ઉપયોગ અટકાવવા માટે સમગ્ર દિલ્હીમાં (મેટ્રો પાર્કિંગ સિવાય) અધિકૃત પાર્કિંગ ચાર્જ બમણો કરી દેવાયો છે.
વાહન પ્રદૂષણને રોકવા માટે દિલ્હી સરકારે આરપારની લડાઈનો મોરચો ખોલ્યો છે. ૧ નવેમ્બરથી દિલ્હી બહાર નોંધાયેલા BS-6 થી નીચેના વાહનો દિલ્હીમાં પ્રવેશી શકશે નહીં. સાથે જ, માન્ય PUC (પ્રદૂષણ સર્ટિફિકેટ) વગર કોઈ પણ પેટ્રોલ પંપ પરથી ઈંધણ મળશે નહીં. આ વ્યવસ્થાને કડક બનાવવા માટે NPR અને 'વાહન' પોર્ટલના ડિજિટલ ડેટાબેઝ દ્વારા રીઅલ-ટાઇમ ચેકિંગ કરવામાં આવશે.
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
