તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
સુરતના ભાવેશ લાઠિયાને ડ્રગ્સના કેસમાં અમેરિકામાં ૫૪ મહિનાની જેલ
સુરતમાં કેમિકલ ફેક્ટરી ચલાવતા ભાવેશની જાન્યુઆરી ૨૦૨૫માં ધરપકડ કરવામાં આવી હતી, જેલની સજાની સાથે ૨૪,૫૬૦ ડોલરનો દંડ પણ ભરવો પડશે

ન્યૂયોર્ક તા.૧૦: સુરતમાં પોતાનું કામકાજ ધરાવતા ભાવેશ લાઠિયા નામના એક ગુજરાતીને અમેરિકાની કોર્ટે ડ્રગ્સના કેસમાં ૫૪ મહિનાની જેલની સજા ફટકારી છે. ભાવેશ પર ફેન્ટેનિલ નામનો નશીલો પદાર્થ બનાવવા માટે વપરાતા કેમિકલ્સને અમેરિકામાં સ્મગ્લિંગ કરવાની સાથે તેને ડિસ્ટ્રિબ્યૂટ કરવાનો આરોપ હતો. ભાવેશ સુરતમાં રેક્સટર કેમિકલ્સ નામની કંપની ચલાવે છે, આ કંપનીએ અમેરિકામાં ફેન્ટનિલ બનાવવા માટે ૫૦ પાઉન્ડ જેટલાં કેમિકલનું સ્મગ્લિંગ કર્યું હતું. એપ્રિલ ૨૦૨૬માં તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો અને જેલની સજા ભોગવવાની સાથે-સાથે તેને ૨૪,૫૬૦ ડોલરનો દંડ પણ ભરવાનો રહેશે. ભાવેશ લાઠિયા આમ તો ઈન્ડિયાથી ઓપરેટ કરતો હતો પરંતુ તેને કઈ રીતે અમેરિકા બોલાવીને પકડવામાં આવ્યો તેનો ઘટનાક્રમ પણ ખાસ્સો રસપ્રદ છે.
જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ભાવેશ સારી રીતે જાણતો હતો કે તે અમેરિકામાં જે કેમિકલ સપ્લાય કરે છે તેનો ઉપયોગ ફેન્ટનિલ જેવું સિન્થેટિક ડ્રગ બનાવવા માટે કરવામાં આવશે. ફેન્ટનિલના ઓવરડોઝથી અમેરિકામાં દર વર્ષે હજારો લોકોના મોત થાય છે અને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને આ ડ્રગ્સનું ડિસ્ટ્રિબ્યૂશન રોકવા માટે ખૂબ જ કડક કાર્યવાહી હાથ ધરી છે. ફેન્ટનિલને બનાવવા માટે કાચો માલ ક્યાંથી મગાવવામાં આવે છે તેની પણ તપાસ કરવામાં આવી હતી જેમાં ભાવેશ લાઠિયાની કંપનીનું નામ ખૂલ્યું હતું.
સુરતની આ કંપની ઈન્ટરનેશનલ શિપમેન્ટ્સ દ્વારા કેમિકલને અમેરિકા પહોંચાડતી હતી પરંતુ તે પકડાઈ ના જાય તે માટે તેના પર ખોટું લેબલિગ કરવામાં આવતું હતું. અમેરિકા સિવાય તેનો માલ મેક્સિકો સહિતના અલગ-અલગ લોકેશન્સ પર જતો હતો. તેની કંપની ઈન્ટરનેશનલ મેલ અને પેકેજ કેરિયર્સથી પણ કેમિકલ અમેરિકા અને મેક્સિકો પહોંચાડતી હતી. ફેન્ટનિલ બનાવવા માટે જે મટિરિયલનો ઉપયોગ થાય છે તે તમામનો સપ્લાય ભાવેશની કંપની દ્વારા કરવામાં આવતો હતો, પોતાની ચોરી પકડાય નહીં તે માટે ભાવેશની કંપની કસ્ટમ્સના ફોર્મમાં પણ ખોટી વિગતો ભરતી હતી.
જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર જૂન ૨૯, ૨૦૨૪ના રોજ રેક્સટર કેમિકલ્સ દ્વારા ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂયોર્કમાં એક પેકેજ શિપમેન્ટ મોકલવામાં આવ્યું હતું. આ પેકેજ પર વિટામિન સી કન્ટેન્ટનું લેબલ લગાવવામાં આવ્યું હતું પરંતુ હકીકતમાં તેમાં અમેરિકામાં પ્રતિબંધિત કેમિકલ્સ હતા. ભાવેશને પકડવા માટે હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ હેઠળ કામ કરતા હોમલેન્ડ સિક્યોરિટી ઈન્વેસ્ટિગેશન્સે એક ટ્રેપ ગોઠવી હતી, જેના ભાગરૂપે એક અંડરકવર એજન્ટે ભાવેશનો સંપર્ક કર્યો હતો. ઓક્ટોબર ૦૨, ૨૦૨૪થી ઓક્ટોબર ૧૫, ૨૦૨૪ના ગાળામાં આ અંડરકવર એજન્ટે ભાવેશ સાથે વિડીયો કોલ પર પર વાત કરી હતી, જેમાં ભાવેશે એવો દાવો કર્યો હતો કે પોતે મેક્સિકોમાં પણ માલ મોકલે છે અને તેની ક્વોલિટીથી કસ્ટમર્સ ખૂબ જ પ્રભાવિત છે.
ભાવેશ આ અંડરકવર એજન્ટને ૨૦ કિલો પ્રતિબંધિત કેમિકલ વેચવા માટે તૈયાર થયો હતો. આ માલને અમેરિકા કઈ રીતે મોકલવામાં આવશે તેનો પ્લાન પણ ભાવેશે જ એજન્ટ સાથે શેર કરતા એવું જણાવ્યું હતું કે તેના પેકેજ પર એન્ટએસિડનું લેબલ લગાવી દેવામાં આવશે. અંડરકવર એજન્ટે ભાવેશને વાતોમાં ફસાવવા માટે એવી ઓફર કરી હતી કે જો તે મેક્સિકોમાં ડિલિવરી કરે તો વધુ બહેતર રહેશે કારણકે અમેરિકામાં આ કેમિકલ મગાવવું મુશ્કેલ છે. આ વાતચીત બાદ નવેમ્બર ૨૩, ૨૦૨૪ના રોજ ભાવેશની કંપનીએ ૨૦ કિલો કેમિકલ ન્યૂયોર્ક મોકલી દીધું હતું જેના પેકેજ પર એન્ટેસિડનું લેબલ લગાવાયું હતું. આ પેકેજ અમેરિકા આવતા જ ભાવેશ તેમાં સીધી સંડોવણી ધરાવે છે તેનો મજબૂત પુરાવો મળી ગયો હતો
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
