News of Friday, 13th November 2026
કર્ણાટકના કોડાગુમાં બોટ પલટી જતાં સુરતના દંપતીનું કરૂણમોત:સ્થાનિક લોકોએ બે બાળકોને બચાવી લીધાં
તીવ્ર વળાંક લેતાં બોટનું સંતુલન બગડ્યું: અકસ્માતમાં પરિવારના ચારેય સભ્યોએ લાઇફ જેકેટ પહેર્યાં હતાં. તેમ છતાં ધર્મેશ અને નિમ્મી બોટની નીચે ફસાઈ ગયાં

કર્ણાટકના કોડાગુ જિલ્લામાં શુક્રવારે સાંજે દુઃખદ ઘટના બની હતી. કુશલનગર નજીક હારંગી જળાશયના બેકવોટરમાં સાહસિક જળક્રીડા દરમિયાન સુરતના એક પ્રવાસી દંપતીનું બોટ પલટી જતાં ડૂબી જવાથી મોત થયું હતું. અકસ્માત સમયે બોટમાં સવાર તેમનાં બે બાળકોનો સ્થાનિક લોકોએ સુરક્ષિત બચાવ કર્યો હતો.
મૃતકોની ઓળખ 50 વર્ષીય ધર્મેશ અને તેમની 48 વર્ષીય પત્ની નિમ્મી તરીકે થઈ છે. પરિવાર પ્રવાસ માટે કર્ણાટકના કોડાગુ જિલ્લામાં ગયો હતો. જળક્રીડા દરમિયાન બનેલી આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, સાંજે આશરે 6 વાગ્યે એલિફન્ટ કેમ્પ નજીક બોટ તીવ્ર વળાંક લઈ રહી હતી. આ દરમિયાન બોટ સંતુલન ગુમાવી બેઠી અને પલટી ગઈ હતી. બોટમાં ચારેય વ્યક્તિઓ સવાર હતાં.
અકસ્માતમાં પરિવારના ચારેય સભ્યોએ લાઇફ જેકેટ પહેર્યાં હતાં. તેમ છતાં ધર્મેશ અને નિમ્મી બોટની નીચે ફસાઈ ગયાં હતાં અને ડૂબી જવાથી તેમનાં મોત થયાં હતાં. બીજી તરફ, સ્થાનિક રહીશોએ બંને બાળકોને બચાવી લીધાં હતાં.
ઘટનાની જાણ થતાં કુશલનગર ગ્રામ્ય પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કેસ નોંધીને બોટ પલટી જવાના કારણો અને સમગ્ર અકસ્માતની તપાસ શરૂ કરી છે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
