News of Wednesday, 18th November 2026
મફલરમેન' વિવાદથી સુપ્રિયા સુળેએ બનાવ્યું અંતર: રોહિત પવારના નિવેદનને પક્ષની સત્તાવાર ભૂમિકા ગણવાનો કર્યો ઇનકાર
મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ મચાવનાર આ મુદ્દે સાંસદે સ્પષ્ટતા કરી છે કે ટેક્નિકલ બાબતો અને વિમાન દુર્ઘટનાની તપાસનો અહેવાલ આવ્યા બાદ જ આગળની સ્થિતિ સ્પષ્ટ થશે.

મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં 'મફલરમેન'નો ઉલ્લેખ કરીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ ગંભીર આરોપો લગાવનાર ધારાસભ્ય રોહિત પવારના નિવેદનથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે, ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)નાં દિગ્ગજ સાંસદ સુપ્રિયા સુળેએ આ સમગ્ર વિવાદથી પોતાનું અંતર જાળવી લીધું છે.
મુંબઈ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં સુપ્રિયા સુળેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રોહિત પવારે યોજેલી પત્રકાર પરિષદ અને તેમના દ્વારા કરવામાં આવેલા દાવાઓ તેમની વ્યક્તિગત ભૂમિકા છે, જેને પક્ષની સત્તાવાર નીતિ કે નિવેદન તરીકે ન જોવી જોઈએ.
રોહિત પવાર દ્વારા વીએસઆર કંપની અને વિમાન દુર્ઘટનાને લઈને ઉઠાવવામાં આવેલા સવાલો અંગે બોલતા તેમણે ઉમેર્યું હતું કે તેઓ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાત નથી અને આ મામલાની ટેક્નિકલ વિગતોથી તેઓ અજાણ હોવાથી તેના પર કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી.
અખબારી અહેવાલોના આધારે વિવાદ ચાલી રહ્યો છે પરંતુ સત્તાવાર રીતે કેન્દ્રીય સ્તરેથી કોઈ તપાસ અહેવાલ બહાર ન આવે ત્યાં સુધી ઉતાવળીયા નિવેદનો આપવાનું ટાળવું જોઈએ અને તમામ પક્ષોએ તપાસના સાચા તારણોની પ્રતીક્ષા કરવી જરૂરી છે.
અગાઉ આ મામલે રોહિત પવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન સમક્ષ ઉચ્ચસ્તરીય તપાસની માંગણી કરી હોવાનું જણાવીને સાંસદે ઉમેર્યું હતું કે તપાસ પૂર્ણ થયા બાદ જ સાચી હકીકતો બહાર આવશે અને દૂધનું દૂધ તથા પાણીનું પાણી થઈ જશે.
આ ઘટનાક્રમ બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં એ વાતની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે એક જ પક્ષના નેતાઓ વચ્ચે આ ગંભીર મુદ્દે અલગ-અલગ સૂર જોવા મળી રહ્યા છે, જે આગામી સમયમાં નવા રાજકીય સમીકરણો સર્જી શકે છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
