<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

ધર્મસ્થલા બળાત્કાર અને હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો ક્રાંતિકારી ચુકાદો: નવેસરથી તપાસનો આદેશ: ૩ મહિનામાં નવો રિપોર્ટ રજૂ કરવા તબીબ-તપાસકર્તાઓને નિર્દેશ

૨૦૧૨ના ૧૭ વર્ષીય સગીરાના ચકચારી કેસમાં ન્યાયની આશા અકબંધ: જૂન ૨૦૨૩માં આરોપી નિર્દોષ જાહેર થયા બાદ પીડિતાની માતાની લડતને સફળતા : ૩ મહિનામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે

નવી દિલ્હી :   કર્ણાટકના ધર્મસ્થલા નજીક ઉજીરેમાં વર્ષ ૨૦૧૨માં ઘટેલી ૧૭ વર્ષની સગીર વયની બાળકી પરના બળાત્કાર અને ક્રૂર હત્યાના ચકચારી કેસમાં દેશની સર્વોચ્ચ અદાલતે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે નવેસરથી તપાસ કરવાનો આદેશ જારી કર્યો છે. સર્વોચ્ચ અદાલતે તપાસકર્તાઓને તમામ પુરાવાઓ અને પરિસ્થિતિઓની પુનઃ સમીક્ષા કરીને આગામી ૩ મહિનાની અંદર પોતાનો નવો તપાસ અહેવાલ કોર્ટ સમક્ષ સબમિટ કરવા સ્પષ્ટ આદેશ આપ્યો છે.


ઓક્ટોબર ૨૦૧૨માં કર્ણાટકના ઉજીરે ખાતેથી ૧૭ વર્ષની સગીરા ગુમ થઈ હતી અને ત્યારબાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ચકચારી કેસની તપાસ શરૂઆતમાં કર્ણાટક ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) અને ત્યારબાદ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને સોંપવામાં આવી હતી. એજન્સી દ્વારા સંતોષ રાવ નામના શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જૂન ૨૦૨૩માં સીબીઆઈની વિશેષ અદાલતે પુરાવાના અભાવે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. પીડિતાના પરિવારે દાવો કર્યો હતો કે નિર્દોષ વ્યક્તિને ફસાવવામાં આવ્યો હતો અને અગાઉની તપાસમાં ગંભીર ખામીઓ રહી ગઈ હતી.

પીડિતાની માતાએ અગાઉની ખામીયુક્ત તપાસ સામે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. ઓગસ્ટ ૨૦૨૪માં કર્ણાટક હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી, પરંતુ સાથે જ એ વાત સ્વીકારી હતી કે આ ગુના માટે કોઈ અન્ય વ્યક્તિ જવાબદાર હોવાની શક્યતા નકારી શકાતી નથી.

દરમિયાન ૨૦૨૫ માં ધર્મસ્થલા વિસ્તારના એક પૂર્વ સફાઈ કર્મચારીએ એવો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો હતો કે તેને વિભિન્ન મૃતદેહોનો નિકાલ કરવાની ફરજ પાડવામાં આવી હતી, જેમાં કેટલાક પર જાતીય સતામણીના નિશાન હતા. આ આરોપો બાદ કર્ણાટક સરકારે સામૂહિક દફનવિધિ અંગે તપાસ કરવા એસઆઈટી ની રચના કરી હતી. જોકે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે ન્યાયિક હસ્તક્ષેપ વિના મૂળ પીડિતાનો કેસ ફરી ખોલી શકાય તેમ નથી.


લાંબા સમયથી નવેસરથી તપાસની માંગ કરી રહેલા સામાજિક કાર્યકર્તા મહેશ શેટ્ટી થિમરોડી અને પીડિતાના પરિવારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું ઉષ્માભેર સ્વાગત કર્યું છે. સર્વોચ્ચ અદાલતના આ તાજેતરના આદેશથી તપાસકર્તાઓને મૃત્યુની આસપાસના સંજોગો અને પુરાવાઓનું પુનઃ પરીક્ષણ કરવાની અને વાસ્તવિક ગુનેગારો સુધી પહોંચવાની સુવર્ણ તક મળી છે.

(8:04 PM IST)