તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
ડ્રગ્સના વેપારીઓ માટે સુપ્રીમ કોર્ટની લાલ આંખ: "આ રાક્ષસો દેશની પેઢીઓનો નાશ કરી રહ્યા છે", જામીન અરજી ફગાવીને સર્વોચ્ચ અદાલતે આપ્યો કડક સંદેશ!
યુવાનોના ભવિષ્ય સાથે ખેલનારાઓ સામે ન્યાયતંત્રનું કડક વલણ: NDPS એક્ટ હેઠળના આરોપીની છઠ્ઠી જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, ડ્રગ્સ સામેના જંગમાં પોલીસને મોટી રાહત

નવી દિલ્હી : દેશમાં ડ્રગ્સની હેરાફેરી અને તેના વધતા વ્યાપને લઈને સુપ્રીમ કોર્ટે આજે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ શીલ નાગુ અને જસ્ટિસ વી મોહનાની ખંડપીઠે ડ્રગ ડીલરોને 'રાષ્ટ્રના દુશ્મન' સમાન ગણાવતા કડક શબ્દોમાં કહ્યું કે, આ લોકો માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી કરી રહ્યા, પરંતુ પેઢી દર પેઢી આપણા દેશના યુવાનોનું જીવન બરબાદ કરી રહ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ડ્રગ્સના વ્યવહાર સાથે સંકળાયેલા ગુનેગારો સાથે કોઈપણ પ્રકારની નરમાશ રાખવી જોખમી છે.
શું હતો સમગ્ર મામલો?
આ આદેશ એક ડ્રગ કેસના આરોપીની જામીન અરજી પર સુનાવણી દરમિયાન આવ્યો છે. જૂન ૨૦૨૨માં ૧૦.૧૫ ગ્રામ MDMA (એક્સ્ટસી) ગોળીઓ સાથે પકડાયેલા આરોપીએ મદ્રાસ હાઈકોર્ટના જામીન નકારવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ફરિયાદ પક્ષ મુજબ, પોલીસને જોઈને ભાગવાની કોશિશ કરતા આ આરોપીઓ પાસેથી પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું. મહત્વનું છે કે, આ આરોપીની આ છઠ્ઠી જામીન અરજી હતી, જેને સુપ્રીમ કોર્ટે પણ નકારી કાઢી છે.
બચાવ પક્ષ અને રાજ્યની દલીલો
કોર્ટમાં અરજદારના વકીલે દલીલ કરી હતી કે ટ્રાયલ પૂર્ણ કરવામાં વિલંબ થઈ રહ્યો છે અને તેમની કસ્ટડી લાંબી ચાલી રહી છે, પરંતુ રાજ્ય સરકારના વકીલે મજબૂતીથી પક્ષ રાખતા જણાવ્યું કે જપ્ત કરાયેલ ડ્રગ્સનો જથ્થો 'કોમર્શિયલ ક્વોન્ટિટી' (વ્યાપારી જથ્થો) માં આવે છે. કાયદાકીય દ્રષ્ટિએ આ ગુનો અત્યંત ગંભીર છે, જેથી જામીન આપવા યોગ્ય નથી. હાઈકોર્ટે પણ અગાઉ નોંધ્યું હતું કે આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓને રાહત આપવી સમાજ માટે હિતકારી નથી.
યુવાનોના ભવિષ્ય માટે કોર્ટનું મક્કમ વલણ
સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી સ્પષ્ટ કરે છે કે ન્યાયતંત્ર હવે ડ્રગ્સના કેસોમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવાના મૂડમાં નથી. છેલ્લા ઘણા સમયથી યુવા પેઢીમાં ડ્રગ્સનું વ્યસન એક ગંભીર સમસ્યા બનીને ઉભરી આવ્યું છે, જેને રોકવા માટે પોલીસ અને અદાલતો બંને હવે એકસમાન રીતે સક્રિય થયા છે.
આ નિર્ણય ડ્રગ માફિયાઓ અને હેરફેર કરનારાઓ માટે એક ચેતવણી છે કે ન્યાયતંત્ર દેશના યુવાનોના ભવિષ્ય સાથે સમાધાન કરવાના મૂડમાં નથી. આ કેસ હવે ટ્રાયલ કોર્ટમાં આગળ વધશે, પરંતુ સુપ્રીમ કોર્ટના આ અવલોકને ડ્રગ્સ વિરોધી ઝુંબેશને એક નવી તાકાત આપી છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
