તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
આસામ NRC વિવાદમાં સુપ્રિમ કોર્ટની મોટી કાર્યવાહી: બહાર રખાયેલા ૧૯ લાખ લોકો માટે અપીલ પ્રક્રિયા શરૂ કરવા મામલે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ!
સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં માંગ: અંતિમ NRC માં સામેલ નાગરિકોને તાત્કાલિક રાષ્ટ્રીય ઓળખ કાર્ડ આપવા અને બાકાત રખાયેલા લોકોને કાનૂની અપીલની તક આપવા રજૂઆત

નવી દિલ્હી, તા.૨૧: આસામમાં પ્રકાશિત થયેલા નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) ની અંતિમ યાદીમાંથી બહાર રહી ગયેલા લાખો લોકો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. સુપ્રિમ કોર્ટે મંગળવારે આસામ NRC માંથી બાકાત રખાયેલા લોકો માટે અપીલ પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર સરકાર, આસામ સરકાર અને રાજ્ય સંયોજક કાર્યાલય પાસે સ્ટેન્ડ અને જવાબ માંગ્યો છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચ સમક્ષ 'આસામ રાજ્ય જમીયત ઉલામા' દ્વારા દાખલ કરાયેલી આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારના વકીલે અદાલતમાં મજબૂત દલીલ કરતા જણાવ્યું હતું કે, "અંતિમ યાદીમાંથી બાકાત રખાયેલા લોકો છેલ્લા સાત વર્ષથી આશંકા અને પીડામાં જીવી રહ્યા છે. કાયદામાં અપીલ કરવાની જોગવાઈ હોવા છતાં કાગળ પર કોઈ પ્રક્રિયા આગળ વધી રહી નથી."
શું છે અરજદારોની મુખ્ય માંગણીઓ?
અરજીમાં સર્વોચ્ચ અદાલત સમક્ષ બે મુખ્ય માંગણીઓ મૂકવામાં આવી છે:
૧. ઓળખ કાર્ડ જારી કરવા: નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ ની કલમ ૧૪એ હેઠળ અંતિમ NRC માં જે ૩.૧ કરોડ લોકોના નામ માન્ય રાખવામાં આવ્યા છે, તેમને તાત્કાલિક રાષ્ટ્રીય ઓળખ કાર્ડ આપવા.
૨. અપીલ પ્રક્રિયા શરૂ કરવી: યાદીમાંથી બહાર રહી ગયેલા ૧૯ લાખથી વધુ લોકોને ફોરેનર્સ ટ્રિબ્યુનલમાં પોતાની નાગરિકતા સાબિત કરવા માટે અપીલ દાખલ કરવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાનો નિર્દેશ આપવો.
૧૯ લાખ લોકોનું ભવિષ્ય અદ્ધરતાલ
ઉલ્લેખનીય છે કે, ૩૧ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ આસામ માટે ફાઇનલ NRC ની યાદી જાહેર કરવામાં આવી હતી. આ કવાયતમાં કુલ ૩.૩ કરોડથી વધુ લોકોએ અરજી કરી હતી, જેમાંથી ૩.૧૧ કરોડ લોકોને ભારતીય નાગરિક તરીકે માન્યતા મળી હતી, જ્યારે ૧૯.૦૬ લાખ લોકોને બહાર રાખવામાં આવ્યા હતા. સુપ્રિમ કોર્ટે આ નવી અરજીને અગાઉથી પેન્ડિંગ એવી અન્ય અરજીઓ સાથે જોડીને વધુ સઘન સુનાવણીનો માર્ગ મોકળો કર્યો છે.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
