<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને મહત્વપૂર્ણ આદેશ: હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો માટે સમાન સુવિધાઓ ઘડવા 2 સપ્તાહમાં સમિતિ રચો

દેશભરમાં નિવૃત્ત જજોની સુવિધામાં ભેદભાવ દૂર કરવા સુપ્રીમનો નિર્દેશ : કેન્દ્રએ પગાર, પેન્શન, તબીબી સુવિધા સહિતની બાબતો માટે એકસમાન નીતિ બનાવવી પડશે

નવી દિલ્હી તા.૨૦ : સુપ્રીમ કોર્ટે દેશભરના હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોને મળતી સુવિધાઓમાં એકરૂપતા લાવવા માટે કેન્દ્ર સરકારને મોટો આદેશ આપ્યો છે. 

કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે આગામી બે સપ્તાહમાં એક સમિતિની રચના કરવામાં આવે. આ સમિતિ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો માટે સમાન સુવિધાઓ, પેન્શન અને અન્ય લાભો અંગે નીતિ ઘડશે.

અરજદારો દ્વારા સુપ્રીમમાં અરજી કરીને કહેવામાં આવ્યું હતું કે દેશના વિવિધ રાજ્યોમાં નિવૃત્ત હાઇકોર્ટ જજોને મળતી સુવિધાઓમાં મોટો તફાવત છે. કેટલાક રાજ્યોમાં સારી સુવિધાઓ મળે છે જ્યારે કેટલાકમાં ખૂબ ઓછી. આનાથી ન્યાયતંત્રમાં ભેદભાવની સ્થિતિ સર્જાય છે.

સુપ્રીમ બેન્ચે કહ્યું કે નિવૃત્ત ન્યાયાધીશો દેશની ન્યાયિક સેવા આપી ચૂક્યા છે. તેમના સન્માન અને ગરિમા જાળવવા માટે તેમને દેશભરમાં સમાન સુવિધાઓ મળવી જોઈએ. 

કોર્ટે કેન્દ્રને કહ્યું કે આ સમિતિમાં કાયદા મંત્રાલય, નાણા મંત્રાલય અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ સામેલ હોય. સમિતિએ પગાર, પેન્શન, તબીબી સુવિધા, આવાસ અને અન્ય ભથ્થાઓ અંગે એકસમાન ભલામણો કરવાની રહેશે.

હવે કેન્દ્ર સરકારે 2 સપ્તાહમાં સમિતિ બનાવીને તેનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે.

આ નિર્ણયથી દેશભરના હજારો નિવૃત્ત ન્યાયાધીશોને રાહત મળવાની આશા છે.

(4:35 PM IST)