News of Friday, 2nd October 2026
ઓવરલોડેડ વાહનો પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચાબુક: "દંડ ભરીને આગળ વધી શકાશે નહીં, વધારાનો માલ સામાન ઉતારવો જ પડશે!"
માર્ગ સલામતી માટે ગંભીર ખતરો બનેલા વાહનો સામે કડક નિર્દેશ: વધારાનો ભાર દૂર કર્યા અને પુનઃ વજન કર્યા વગર હવે કોઈપણ વાહનને આગળ વધવા દેવાશે નહીં

નવી દિલ્હી : દેશભરમાં નેશનલ હાઈવે અને માર્ગો પર દોડતા ઓવરલોડેડ વાહનો સામે સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવતાં એક મોટો અને ઐતિહાસિક આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ભાર ધરાવતા વાહનો હવે માત્ર દંડ કે વધારાની ફી ભરીને આગળ વધી શકશે નહીં. વાહનમાંથી વધારાનો માલ-સામાન અનલોડ (ઉતાર્યા) કર્યા વગર અને વજન નિયમ મુજબ લાવ્યા વગર આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
જસ્ટિસ જેબી પારડીવાલા અને કેવી વિશ્વનાથનની બેન્ચનો આદેશ
જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની પીઠ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. એડવોકેટ કેસી જૈન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂ કરવામાં આવેલી દલીલો અને સૂચનોને સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે ઓવરલોડિંગ માત્ર માર્ગોને નુકસાન પહોંચાડતું નથી પરંતુ રોડ સેફ્ટી માટે અત્યંત ગંભીર જોખમ ઊભું કરે છે. આ સંદર્ભે કોર્ટે તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) અને સંબંધિત માર્ગ અધિકારીઓને કડક અમલીકરણ માટે મહત્વપૂર્ણ નિર્દેશો જારી કર્યા છે.
ટોલ પ્લાઝા અને ચેકપોઇન્ટ પર ડિજિટલ મોનિટરિંગ
કોર્ટે નિર્દેશ આપ્યો છે કે મોટર વાહન અધિનિયમની કલમ ૧૩૬A અને સેન્ટ્રલ મોટર વાહન નિયમોના નિયમ ૧૬૭A હેઠળ ટોલ મેનેજમેન્ટ સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક એન્ફોર્સમેન્ટ સિસ્ટમ સાથે 'વેઇ-ઇન-મોશન' અને 'વેઇબ્રિજ સિસ્ટમ'ને જોડવામાં આવે. જેથી જો ટોલ પ્લાઝા અથવા ચેકપોઇન્ટ પર વાહન ઓવરલોડ માલૂમ પડે, તો તેને તાત્કાલિક રોકીને વધારાનો ભાર અનલોડ કરાવવામાં આવે. આ સમગ્ર પ્રક્રિયાનો ડિજિટલ રેકોર્ડ જાળવવો પણ ફરજિયાત બનાવવામાં આવ્યો છે અને જરૂર પડે પોલીસ સહાય પૂરી પાડવા રાજ્યોને આદેશ અપાયો છે.
૫ વર્ષમાં ૬૦,૦૦૦ થી વધુ લોકોના મોત
અરજીમાં રજૂ કરવામાં આવેલા રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના ૨૦૧૯ થી ૨૦૨૩ સુધીના વાર્ષિક આંકડા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં ઓવરલોડિંગના કારણે દેશમાં ૧,૪૦,૯૪૫ રોડ અકસ્માતો સર્જાયા હતા, જેમાં ૬૦,૦૮૨ નિષ્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ આંકડાઓને ગંભીરતાથી લઈને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, માત્ર દંડ વસૂલીને વાહનોને મુક્ત કરવાની જૂની પ્રથા હવેથી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
