<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

જપ્ત કરાયેલા વાહનોના નિકાલ અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદો: 'માલિકને સાંભળ્યા વિના NDPS એક્ટ હેઠળ વાહન જપ્ત કે હરાજી કરી શકાય નહીં!'

સુપ્રીમ કોર્ટે ડ્રગ ડિસ્પોઝલ કમિટી (DDC) ની મનસ્વી સત્તા પર અંકુશ મૂક્યો: ટ્રાયલ કોર્ટની પરવાનગી અને માલિકને નોટિસ આપ્યા વિના વાહનની હરાજી કરવા પર કડક મનાઈ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 (NDPS Act) હેઠળ જપ્ત કરાયેલા વાહનોના નિકાલ અને જપ્તી અંગે એક અત્યંત મહત્વપૂર્ણ અને માર્ગદર્શક ચુકાદો આપ્યો છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે NDPS કાયદા હેઠળ જપ્ત કરાયેલા વાહનને જપ્ત (Confiscate) કરવાની આખરી સત્તા માત્ર ને માત્ર સંબંધિત ટ્રાયલ કોર્ટ પાસે જ છે, ડ્રગ ડિસ્પોઝલ કમિટી (DDC) કોર્ટના આદેશ વિના સ્વતંત્ર રીતે વાહનનો નિકાલ કરી શકશે નહીં.

મદ્રાસ હાઈકોર્ટના આદેશને ફગાવી લારી છોડવા આદેશ:

આ કેસ તમિલનાડુના આર. મણિમારનની લારી સાથે જોડાયેલો હતો. ૬૬ કિલો ગાંજા સાથે લારી જપ્ત કરાયા બાદ આરોપીઓ ટ્રાયલ કોર્ટમાંથી નિર્દોષ છૂટ્યા હતા અને અપીલનો સમયગાળો પૂરો થયા બાદ કોર્ટે લારી માલિકને પરત કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, બાદમાં અરજી ફગાવી દેવાતાં અને મદ્રાસ હાઈકોર્ટે તેને સમર્થન આપતાં માલિકે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોના વલણની ટીકા કરી લારી તાત્કાલિક તેના મૂળ માલિકને મુક્ત કરવાનો કડક નિર્દેશ આપ્યો હતો.

વાહનના માલિકને નોટિસ અને સુનાવણીની તક આપવી ફરજિયાત:

જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે ચુકાદામાં નોંધ્યું હતું કે જો વાહનનો માલિક વચગાળાની કસ્ટડી (Interim Custody) મેળવવા આગળ ન આવે, તો તપાસ અધિકારી વાહનને DDC સમક્ષ નિકાલ માટે મોકલવા ટ્રાયલ કોર્ટમાં અરજી કરી શકે છે. પરંતુ, કોર્ટે ન્યાયિક દેખરેખ હેઠળ પહેલાં વાહનના માલિકને નોટિસ પાઠવવી પડશે અને સુનાવણીની પૂરતી તક આપવી પડશે. DDC પણ કોર્ટની મંજૂરી વિના કે જાહેર હરાજી કરતા પહેલાં માલિકની રજૂઆત સાંભળ્યા વગર વાહન વેચી શકશે નહીં.

હરાજીની રકમ કોર્ટની કસ્ટડીમાં જ રહેશે:

ખંડપીઠે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે જો આવી સ્થિતિમાં DDC દ્વારા જાહેર હરાજી કરીને વાહન વેચવામાં પણ આવે, તો તેને કાનૂની જપ્તી ગણી શકાય નહીં. હરાજીમાંથી પ્રાપ્ત થયેલી રકમ જ્યાં સુધી કેસનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટની કસ્ટડી અને નિયંત્રણ હેઠળ જ જમા રાખવાની રહેશે. આ આદેશથી વાહન માલિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ થશે અને પોલીસ કે DDC ની મનસ્વી કાર્યવાહી પર બ્રેક વાગશે.

(8:56 PM IST)