તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
બંગાળ ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: મતદાનના ૪૮ કલાક પહેલા મંજૂરી મેળવનાર મતદારો પણ આપી શકશે વોટ!
CJI સૂર્યકાંતની બેન્ચે કલમ ૧૪૨ હેઠળ વિશેષ સત્તાનો કર્યો ઉપયોગ; ૨૭ લાખ નામો કાઢી નાખવાના વિવાદ વચ્ચે અપીલ ટ્રિબ્યુનલના આદેશોને ત્વરિત અમલમાં મૂકવા ચૂંટણી પંચને આદેશ.

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીને લઈને ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ‘ગેમ ચેન્જર’ ગણી શકાય તેવો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ મતદારનું નામ યાદીમાંથી કપાઈ ગયું હોય અને તેને મતદાનના માત્ર બે દિવસ પહેલા પણ અપીલ ટ્રિબ્યુનલ દ્વારા મંજૂરી મળી જાય, તો તે વ્યક્તિ પોતાનો પવિત્ર મતાધિકાર વાપરી શકશે.
મતદાનના બે તબક્કા અને નવી ડેડલાઇન
પશ્ચિમ બંગાળમાં ૨૩ એપ્રિલ અને ૨૯ એપ્રિલ એમ બે તબક્કામાં મતદાન થવાનું છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, જે મતદારોને ૨૧ એપ્રિલ (પ્રથમ તબક્કા માટે) અથવા ૨૭ એપ્રિલ (બીજા તબક્કા માટે) સુધીમાં ટ્રિબ્યુનલ તરફથી લીલી ઝંડી મળી જાય, ચૂંટણી પંચે પૂરક યાદી બહાર પાડીને તેમને મતદાન કરવાની સુવિધા આપવી પડશે. CJI સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમલ્યા બાગચીની બેન્ચે બંધારણની કલમ ૧૪૨ હેઠળ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને આ વ્યવસ્થા આપી છે.
૬૦ લાખ વાંધાઓ અને ૯૦૦ ન્યાયિક અધિકારીઓની ફોજ
રાજ્યમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર વચ્ચેના અવિશ્વાસને જોતા સુપ્રીમ કોર્ટે આ જવાબદારી પશ્ચિમ બંગાળ સહિત ઓડિશા અને ઝારખંડના ૯૦૦ જેટલા ન્યાયિક અધિકારીઓને સોંપી હતી. આ અધિકારીઓએ ટૂંકા ગાળામાં ૬૦ લાખ વાંધાઓનો નિકાલ કર્યો હતો, જેમાં અંદાજે ૨૭ લાખ જેટલા નામો યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
અપીલ ટ્રિબ્યુનલ હવે ફૂલ એક્શનમાં
જે લોકોના નામ યાદીમાંથી કપાઈ ગયા છે, તેમના માટે ૧૯ જેટલી અપીલ ટ્રિબ્યુનલો અત્યારે રાત-દિવસ કાર્યરત છે. અત્યાર સુધીમાં ૩૪ લાખથી વધુ અપીલો દાખલ કરવામાં આવી છે. કોર્ટે ન્યાયિક અધિકારીઓની પ્રશંસા કરતા જણાવ્યું કે, તેમણે અત્યંત પડકારજનક અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આ મુશ્કેલ કાર્ય પૂર્ણ કર્યું છે. જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જેની અપીલ માત્ર પેન્ડિંગ છે, તેઓ મતદાન કરી શકશે નહીં; માત્ર ટ્રિબ્યુનલનો આદેશ હોય તે જ પાત્ર ગણાશે.
વચગાળાની રાહતનો ઇનકાર
કેટલાક અરજદારોએ માંગ કરી હતી કે અપીલ પેન્ડિંગ હોય ત્યાં સુધી તેમને કામચલાઉ રીતે મતદાન કરવા દેવામાં આવે, પરંતુ સુપ્રીમ કોર્ટે આવી કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટના મતે, જો આવી છૂટ આપવામાં આવે તો તે કાનૂની ગૂંચવણો ઉભી કરી શકે છે અને ચકાસણીની આખી પ્રક્રિયા પર પાણી ફરી વળી શકે છે.
પશ્ચિમ બંગાળની આ ચૂંટણીમાં એક-એક મતના મહત્વને જોતા સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય લાખો મતદારો માટે આશાનું કિરણ બનીને આવ્યો છે.
ન્યાયિક પ્રક્રિયાની ગરિમા: "અમે ન્યાયિક અધિકારીઓના સમર્પણની પ્રશંસા કરીએ છીએ, જેમણે રેકોર્ડ બ્રેક સમયમાં કરોડો વાંધાઓ પર કામ કર્યું છે." — સુપ્રીમ કોર્ટ.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
