<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટનું ઐતિહાસિક અને કડક વલણ: ‘અમે પોતે NTA ઓફિસ જઈને સિસ્ટમ ચકાસીશું, કાગળ પરના સુધારા નહીં ચાલે!’

નંદન નીલેકણી સમિતિની ભલામણોનો જમીની સ્તરે અમલ કરવા સર્વોચ્ચ અદાલતનો આદેશ: કેન્દ્ર સરકારે પ્રગતિ અહેવાલ સાથે સોગંદનામું રજૂ કરવું પડશે

નવી દિલ્હી : દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG માં થયેલી ગેરરીતિઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની કાર્યપ્રણાલી સામે સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે પરીક્ષા પ્રણાલીમાં સુધારા માત્ર કાગળ પર અને અહેવાલો પૂરતા સીમિત ન હોવા જોઈએ. જસ્ટિસ પી.એસ. નરસિંહાની અધ્યક્ષતાવાળી બેન્ચે સનસનાટીભરી ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, જો જરૂર જણાશે તો જજ પોતે NTA ના કાયમી કાર્યાલયની રૂબરૂ મુલાકાત લઈને ત્યાંની વાસ્તવિક સિસ્ટમ અને માનવબળની સમીક્ષા કરશે.

 

સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી આ પરીક્ષામાં કાયમી સ્ટાફ, મજબૂત આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પારદર્શક સિસ્ટમ હોવી અત્યંત જરૂરી છે. NTA માં સુધારા લાવવા માટે નંદન નીલેકણીના નેતૃત્વ હેઠળ ગઠિત ઉચ્ચ-સ્તરીય સમિતિએ અત્યાર સુધી શું કામગીરી કરી છે, તેનો સંપૂર્ણ હિસાબ કોર્ટે માંગ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે રિપોર્ટમાં દાવા કરવા પૂરતું નથી, પરંતુ સુધારાની અસર વાસ્તવિક ધોરણે જમીન પર દેખાવી જોઈએ.

 

આ મામલે સર્વોચ્ચ અદાલતે ઉચ્ચ-શક્તિ પ્રાપ્ત સમિતિ સાથે સંકલન કરી રહેલા સંયુક્ત સચિવને એક વિગતવાર સોગંદનામું (Affidavit) દાખલ કરવા આદેશ આપ્યો છે. આ સોગંદનામામાં અત્યાર સુધી અમલમાં મુકાયેલા તમામ સુધારાઓ અને તેમની વર્તમાન પ્રગતિનો સંપૂર્ણ અહેવાલ આપવાનો રહેશે. કેન્દ્ર સરકારે કોર્ટને જાણ કરી હતી કે સમિતિ સપ્ટેમ્બરના અંત સુધીમાં તેનો પ્રથમ વચગાળોનો રિપોર્ટ રજૂ કરશે. સુપ્રીમ કોર્ટના આ કડક વલણથી હવે NTA ની સમગ્ર કામગીરીમાં મોટા અને મૂળભૂત ફેરફારો થવાના સંકેત મળી રહ્યા છે.

 

(7:17 PM IST)