<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

સર્વોચ્ચ અદાલતનો ઐતિહાસિક અને માનવતાવાદી ફેંસલો: શહીદ ફાઇટર પાઇલટના પત્ની અને પૂર્વ મહિલા અધિકારી પ્રિયંકા સક્ષેનાની ભારતીય વાયુસેનામાં પુનઃનિયુક્તિનો માર્ગ મોકળો થયો

​બંધારણની કલમ ૧૪૨ અંતર્ગત વિશેષ સત્તાનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટે સશસ્ત્ર દળોના કડક નિયમોથી પર જઈને આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલના આદેશને રદ કર્યો; ૧૩ વર્ષ બાદ પૂર્વ સ્ક્વોડ્રન લીડર ફરી ગણવેશ ધારણ કરશે

​નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલતે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ચુકાદો આપતાં ભારતીય વાયુસેના (IAF)ના શહીદ ફાઇટર પાઇલટ વિંગ કમાન્ડર હર્ષિત સિંહાના વિધવા અને ભૂતપૂર્વ શોર્ટ સર્વિસ કમિશન્ડ મહિલા અધિકારી પ્રિયંકા સક્ષેનાને વાયુસેનામાં પુનઃ શામેલ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ભૂતપૂર્વ વાયુસેના અધિકારી અને વીરનારી - એમ બંને ધોરણો પર યોગ્યતા ધરાવતા હોવાથી તેમને જૂના સેવા અનુભવનું યોગ્ય વજન મળવું જ જોઈએ.

​પરિવાર માટે સેવા છોડી હતી, પતિના શહાદત બાદ સેવા માટે દ્વાર ખટખટાવ્યા

પ્રિયંકા સક્ષેના વર્ષ ૨૦૦૩માં ભારતીય વાયુસેનાની લોજિસ્ટિક્સ શાખામાં શોર્ટ સર્વિસ કમિશન અંતર્ગત અધિકારી તરીકે જોડાયા હતા. ૧૦ વર્ષ સુધી દેશસેવા આપ્યા બાદ, ડિસેમ્બર ૨૦૧૩માં તેમણે પોતાના ફાઇટર પાઇલટ પતિની કારકિર્દીને સહયોગ આપવા અને નાની પુત્રીના પાલનપોષણની કૌટુંબિક જવાબદારીઓ નિભાવવા માટે વાયુસેનામાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ ડિસેમ્બર ૨૦૨૧માં જેસલમેર નજીક મિગ-૨૧ બાઇસન વિમાન દુર્ઘટનામાં તેમના પતિ વિંગ કમાન્ડર હર્ષિત સિંહા શહીદ થતાં પરિવાર પર વજ્રાઘાત થયો હતો. બે સગીર પુત્રીઓના પાલનપોષણ અને દેશસેવા માટે તેમણે વાયુસેનામાં ફરી જોડાવા માટે અરજી કરી હતી.

​૩૫ વર્ષની વયમર્યાદાના નિયમને કારણે અરજી ફગાવી દેવાઈ હતી

વીરનારીઓ માટેની પ્રવર્તમાન નીતિમાં મહત્તમ વયમર્યાદા ૩૫ વર્ષ નક્કી કરવામાં આવી હોવાથી વાયુસેના અને આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલ (AFT) દ્વારા પ્રિયંકા સક્ષેનાની વિનંતીને ટેકનિકલ કારણોસર ફગાવી દેવામાં આવી હતી. ટ્રિબ્યુનલે પણ ૧૮ મે ૨૦૨૩ અને ૨ જુલાઈ ૨૦૨૪ના આદેશોમાં માત્ર નીતિ બનાવવાની ભલામણ કરી હતી પરંતુ તેમને કોઈ ચોક્કસ રાહત આપી નહોતી, જેથી તેમણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

​સુપ્રીમ કોર્ટનું અવલોકન: સામાન્ય તાલીમની જરૂર નથી, જૂનો અનુભવ ગણાશે

ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જોયમાલ્યા બાહચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે આ બાબતને અતિ વિશિષ્ટ કેસ ગણાવ્યો હતો. કોર્ટે નોંધ્યું કે પ્રિયંકા સક્ષેના કોઈ બિન-સૈન્ય પૃષ્ઠભૂમિ ધરાવતા વિધવા નથી પણ પોતે ૧૦ વર્ષ સુધી વાયુસેનામાં અધિકારી રહી ચૂક્યા છે, તેથી તેમને અન્ય વીરનારીઓની જેમ નવેસરથી પ્રી-કમિશન તાલીમ આપવાની જરૂર નથી. કોર્ટે દેશ માટે તેમના પતિના બલિદાનને પણ ધ્યાને લીધું હતું.

​તાલીમ પૂર્ણ થયા બાદ સ્ક્વોડ્રન લીડર તરીકે પુનઃનિયુક્તિ થશે

સર્વોચ્ચ અદાલતે બંધારણની કલમ ૧૪૨ હેઠળ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને નીચે મુજબની શરતો સાથે પુનઃનિયુક્તિનો આદેશ આપ્યો છે:

​પ્રિયંકા સક્ષેનાએ આગામી બેચમાં એક વર્ષનો રિફ્રેશર કોર્સ અને નિયત મેડિકલ ટેસ્ટ પાસ કરવાની રહેશે.
​તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તેમને સ્ક્વોડ્રન લીડર હોદ્દા પર ૧૧મા વર્ષની સેવાથી પુનઃસ્થાપિત કરવામાં આવશે.
​તેમની અગાઉની ૧૦ વર્ષની સેવાને માન્ય રાખીને તેમને નિયમાનુસાર ૪ વર્ષનું સર્વિસ એક્સ્ટેન્શન અપાશે અને તેમની સિનિયરિટી તથા પરમનન્ટ કમિશન (PC) કે પ્રમોશન માટે પણ તેમની બેચના નીતિ-નિયમો મુજબ વિચારણા કરવામાં આવશે.
​અદાલતે આદેશમાં સ્પષ્ટતા કરી છે કે આ કેસની અસાધારણ સ્થિતિઓને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લેવાયો છે, તેથી આ ચુકાદાને ભવિષ્યના અન્ય કેસો માટે પૂર્વ-ઉદાહરણ (પ્રેસિડન્ટ) તરીકે ગણવામાં આવશે નહીં.

(1:24 PM IST)