<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

લખીમપુર ખેરી હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ! ટ્રાયલ જજ સામેના ગંભીર આરોપો પર અલ્હાબાદ હાઈકોર્ટ પાસે સીલબંધ કવરમાં મંગાયો રિપોર્ટ

એડવોકેટ પ્રશાંત ભૂષણના આઘાતજનક ખુલાસા બાદ સર્વોચ્ચ અદાલત આકરા મોડમાં: સંવેદનશીલ કેસ માટે ઉત્તર પ્રદેશ સરકારને અનુભવી અને વરિષ્ઠ સરકારી વકીલ નીમવા માટે અપાઈ તાકીદ

લખીમપુર ખેરી : વર્ષ ૨૦૨૧ના બહુચર્ચિત અને ચકચારી લખીમપુર ખેરી હિંસા કેસની સુનાવણી કરી રહેલા ટ્રાયલ જજના વર્તન અને નિર્ણયો સામે ગંભીર સવાલો ઊભા થતાં સુપ્રીમ કોર્ટે અત્યંત સખત વલણ અપનાવ્યું છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની ખંડપીઠે અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને આ કેસ સંભાળી રહેલા ટ્રાયલ જજ સામેના આરોપોની તાત્કાલિક તપાસ કરવા અને આગામી સુનાવણી પહેલાં સીલબંધ કવરમાં પોતાનો વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.

 

સર્વોચ્ચ અદાલતમાં પીડિતો તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ પ્રશાંત ભૂષણે કોર્ટ સમક્ષ ચોંકાવનારી દલીલો કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે વર્તમાન ટ્રાયલ જજનું વર્તણૂક પક્ષપાતી છે અને તેમની હાજરીથી "ન્યાયનો કચરાઘાણ" થઈ શકે છે. ભૂષણે દાવો કર્યો હતો કે આ ન્યાયાધીશે અન્ય બેન્ચોને સોંપાયેલા કેસો પણ પોતાની પાસે ખેંચી લઈને આરોપીઓને રાહતો આપી હતી, જેમાં NDPS અને SC/ST એક્ટ હેઠળના કેસોમાં જામીન આપવાનો પણ સમાવેશ થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, તબિયત ખરાબ હોવા છતાં અને મેડિકલ સ્લિપ રજૂ કરી હોવા છતાં, જજે કેસના મહત્વના સાક્ષી શેર સિંહ સામે બિનજામીનપાત્ર વોરંટ (NBW) જારી કર્યું હતું અને ત્યારબાદ પોલીસે સાક્ષીના પરિવારને ધમકાવ્યો હતો.

 

ગાયબ પુરાવા અને અનુભવી વકીલ અંગે કડક સૂચના

 

સુનાવણી દરમિયાન ભૂષણે વધુ એક ગંભીર બાબત તરફ ધ્યાન દોરતા કહ્યું કે ઘટનાસ્થળનો મુખ્ય નકશો (Site Plan) જ કોર્ટના રેકોર્ડમાંથી ગુમ થઈ ગયો છે. આ ઉપરાંત, આટલા મોટા કેસમાં માત્ર ૪ મહિનાનો અનુભવ ધરાવતા વકીલને સરકારી પક્ષ તરફથી મૂકવામાં આવ્યા હોવા સામે પણ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

 

સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને બે અઠવાડિયામાં સોગંદનામું દાખલ કરીને કેસ માટે કોઈ અત્યંત અનુભવી અને વરિષ્ઠ સરકારી વકીલ (Special Public Prosecutor) ની નિમણૂક કરવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા સહિતના લોકો મુખ્ય આરોપી છે. હવે અલ્હાબાદ હાઈકોર્ટના રિપોર્ટ બાદ જ ટ્રાયલ જજ અંગે આગળનો નિર્ણય લેવાશે.

(7:05 PM IST)