<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

અરવલ્લી પર્વતમાળાના રક્ષણ માટે સુપ્રિમ કોર્ટની મોટી પહેલ: પબ્લિક ઇનપુટ્સ માટે હાઇ-પાવર કમિટીએ દેશના નાગરિકો પાસે મંગાવ્યા સૂચનો!

દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોના લોકો ૨૧ દિવસમાં ગુગલ ફોર્મ કે ઈમેઈલથી આપી શકશે રજૂઆત: ૩૧ ઓગસ્ટ સુધીમાં સર્વોચ્ચ અદાલતમાં રજૂ થશે રિપોર્ટ

નવી દિલ્હી : ઉત્તર અને પશ્ચિમ ભારતની જીવાદોરી સમાન અરવલ્લીની પર્વતમાળાઓ અને ટેકરીઓના સંરક્ષણ માટે સુપ્રિમ કોર્ટ દ્વારા ગઠિત 'હાઇ-પાવર કમિટી' (HPC) એ એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પર્યાવરણ મંત્રાલયના અધિકારીઓએ મંગળવારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સમિતિએ અરવલ્લી સંબંધિત વિવિધ મુદ્દાઓ, પર્યાવરણીય ચિંતાઓ અને સુધારાઓ અંગે દેશના આમ નાગરિકો અને તમામ હિસ્સેદારો (Stakeholders) પાસેથી સીધા સૂચનો અને રજૂઆતો આવકાર્યા છે.

આ પહેલ અંતર્ગત દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને અન્ય સંબંધિત રાજ્યોના સ્થાનિક રહેવાસીઓ, પર્યાવરણશાસ્ત્રીઓ, બિન-સરકારી સંસ્થાઓ (NGO), ખેડૂતો, ખાણકામ લીઝ ધારકો તેમજ સ્થાનિક સમુદાયો પોતાના ઉપયોગી અભિપ્રાયો આપી શકશે.

૨૧ દિવસની સમયસીમા અને ૩૧ ઓગસ્ટનો ડેડલાઇન

મંત્રાલયની નોટિસ મુજબ, ઈચ્છુક નાગરિકો અને સંસ્થાઓ જરૂરી પુરાવા અને દસ્તાવેજો સાથે નોટિસ પ્રકાશિત થયાના (૨૧ જુલાઈ) ૨૧ દિવસની અંદર નિયુક્ત ઈમેઈલ અથવા ખાસ બનાવવામાં આવેલા 'ગુગલ ફોર્મ' દ્વારા પોતાના સૂચનો મોકલી શકશે.

આ તમામ રજૂઆતોની ઝીણવટભરી તપાસ અને સમીક્ષા કર્યા બાદ હાઇ-પાવર કમિટી આગામી ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ સુધીમાં પોતાનો વિસ્તૃત અહેવાલ સુપ્રિમ કોર્ટ સમક્ષ સુપરત કરશે. અરવલ્લી વિસ્તારમાં ગેરકાયદેસર ખાણકામ અને પર્યાવરણીય નુકસાન અટકાવવા માટે આ પ્રક્રિયા ખૂબ કારગત સાબિત થશે.

 

(5:53 PM IST)