તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો: ૨૫ વર્ષની નિર્દોષ નોકરી બાદ એસટી સર્ટિફિકેટ અમાન્ય ઠરતા કર્મચારીની ગ્રેચ્યુઈટી કે પેન્શન જેવા નિવૃત્તિ લાભો રોકી શકાય નહીં, હાઈકોર્ટના રદબાતલ હુકમને રદ્દ કરતી દેશની સર્વોચ્ચ અદાલત
૨૦૦૩માં સર્ટિફિકેટ રદ્દ થવા છતાં ડિસમિસ ન કરીને ૨૦૧૮ સુધી સતત સેવા લેનાર બેંક સરકારી નિયમો અને કાયદાકીય જોગવાઈઓ બતાવીને કર્મચારીના હક્કના નિવૃત્તિ લાભો છીનવી શકે નહીં તેવો જસ્ટિસ બી.વી. નાગરથ્ના અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેંચનો મહત્વપૂર્ણ ચુકાદો

નવી દિલ્હી : અનુસૂચિત જનજાતિ (ST)ના પ્રમાણપત્રના આધારે સરકારી કે બેંકિંગ ક્ષેત્રમાં દાયકાઓ સુધી બિનસંદિગ્ધ અને નિર્દોષ સેવા આપનાર કર્મચારી માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો અને ન્યાયપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણે ઠેરવ્યું છે કે જો કોઈ કર્મચારીનું જાતિ પ્રમાણપત્ર નોકરીના ૨૫ વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ અમાન્ય કે રદ્દ જાહેર થાય, પરંતુ તેના પર કોઈપણ પ્રકારની બનાવટ (ફ્રોડ) કે અપ્રમાણિકતાનો આરોપ સાબિત ન થયો હોય, તો તેને નિવૃત્તિ પછી મળવાપાત્ર પેન્શન, ગ્રેચ્યુઈટી સહિતના આર્થિક લાભોથી વંચિત રાખી શકાય નહીં.
આ ચર્ચાસસ્પદ કેસની વિગતો અનુસાર, અરજદાર કર્મચારી વર્ષ ૧૯૯૩માં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (તત્કાલીન કોર્પોરેશન બેંક)માં એસટી અનામત કેટેગરી હેઠળ ક્લાર્ક તરીકે જોડાણ પામ્યા હતા. નોકરીના ૧૦ વર્ષ બાદ, એટલે કે ૨૦૦૩માં સ્ક્રુટિની કમિટી દ્વારા તેમના એસટી જાતિ પ્રમાણપત્રને અમાન્ય ઠેરવવામાં આવ્યું હતું. કર્મચારીએ આ નિર્ણયને અદાલતમાં પડકાર્યો હતો, જેના કારણે કાનૂની વિવાદ લાંબો સમય ચાલ્યો હતો. આ સમગ્ર સમયગાળા દરમિયાન બેંકે કર્મચારી સામે કોઈ શિસ્તભંગના પગલાં ન લીધા કે ન તો તેમને સેવામાંથી બરતરફ કર્યા. કર્મચારીએ વર્ષ ૨૦૧૮ સુધી, એટલે કે સળંગ ૨૫ વર્ષ સુધી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી.
ત્યારબાદ કર્મચારીની સેવા સમાપ્ત કરવામાં આવી ત્યારે બેંકે તેમના પેન્શન અને ગ્રેચ્યુઈટી જેવા તમામ નિવૃત્તિ લાભો અટકાવી દીધા હતા. કર્મચારીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ હાઈકોર્ટે બેંકના નિર્ણયને ગ્રાહ્ય રાખતા કર્મચારીને કોઈ રાહત આપી ન હતી. આખરે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરથ્ના અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની ખંડપીઠે આ કેસની સુનાવણી કરતા હાઈકોર્ટના આદેશને સંપૂર્ણપણે રદ્દ કરી દીધો હતો. દેશની સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં નોંધ્યું કે, કર્મચારીએ કોઈપણ પ્રકારની છેતરપિંડી કે બનાવટી દસ્તાવેજો રજૂ કરીને નોકરી મેળવી હોય તેવું રેકોર્ડ પર સાબિત થતું નથી. જ્યારે બેંકે પોતે જ ૨૦૦૩થી ૨૦૧૮ સુધી સતત ૧૫ વર્ષ સુધી કર્મચારી પાસે કામ લીધું હોય અને તેમને સેવામાં ચાલુ રાખ્યા હોય, ત્યારે નિવૃત્તિના સમયે સરકારી નીતિઓનો હવાલો આપીને તેમના હક્કના લાભો રોકવા તે તદ્દન અયોગ્ય અને અન્યાયી છે.
સર્વોચ્ચ અદાલતે બેંકને આદેશ આપ્યો છે કે અરજદાર કર્મચારીને તેમના તમામ નિવૃત્તિ લાભો, જેમાં પેન્શન અને ગ્રેચ્યુઈટીનો સમાવેશ થાય છે, તે ત્વરિત ધોરણે ચૂકવી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટના આ નિર્દેશથી દાયકાઓ સુધી સેવા આપ્યા બાદ ન્યાયની રાહ જોઈ રહેલા કર્મચારીને મોટી રાહત મળી છે અને ભવિષ્યના આવા અન્ય કેસો માટે પણ એક મહત્વનો કાનૂની પૂર્વાપર દ્રષ્ટાંત (પ્રેસિડન્ટ) સ્થાપિત થયો છે.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
