<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

દિલ્હી રમખાણો કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: UAPA ના આરોપી મીરાન હૈદરની જામીન શરતોમાં અપાઈ મોટી રાહત; લગ્ન પ્રસંગ માટે પોલીસ હાજરીમાંથી મુક્તિ

અઠવાડિયામાં બે વારના બદલે હવે માત્ર એક જ વાર SHO સમક્ષ હાજર થવું પડશે; રોજગારી અને આગામી લગ્નને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતે સપ્તાહમાં બે દિવસની હાજરી ઘટાડી

નવી દિલ્હી : વર્ષ ૨૦૨૦ના ચકચારી દિલ્હી કોમી રમખાણોના 'મોટા કાવતરા' (larger conspiracy) કેસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ આરોપી મીરાન હૈદરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. શુક્રવારે સર્વોચ્ચ અદાલતે હૈદર માટે જામીનની શરતો હળવી કરતાં દર અઠવાડિયે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની ફરજિયાત આવૃત્તિ ઘટાડી દીધી છે. આ ઉપરાંત, કોર્ટે તેના આગામી લગ્ન પ્રસંગને ધ્યાનમાં રાખીને ચોક્કસ દિવસોમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ પણ આપી છે.

 

રોજગારી અને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને નિર્ણય

 

જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની પીઠે હૈદરની અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો હતો. હૈદરના વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ અગ્રવાલે રજૂઆત કરી હતી કે અઠવાડિયામાં બે વાર (દર સોમવાર અને ગુરુવારે) ક્રાઈમ બ્રાન્ચમાં હાજર રહેવાની શરતને કારણે હૈદરને રોજગાર મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ દલીલોને ધ્યાને રાખીને બેન્ચે હવે તેને દર શનિવારે સવારે ૧૦ થી બપોરે ૧૨ વાગ્યાની વચ્ચે સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) સમક્ષ હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. સાથોસાથ, ૧૭ અને ૨૪ ઓક્ટોબરે યોજાનારા તેના લગ્નને કારણે તે દિવસોની હાજરીમાંથી છૂટ આપી છે.

 

સોશિયલ મીડિયા પરના પ્રતિબંધો યથાવત રહ્યા

 

હૈદર તરફથી તેના પર લાદવામાં આવેલા અન્ય પ્રતિબંધો—જેમ કે જાહેર સભાઓમાં ભાગ લેવો અને સોશિયલ મીડિયા પર સામગ્રી ફેલાવવી—તેમાં પણ રાહત માંગવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તે શરતોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. નોંધનીય છે કે ફેબ્રુઆરી ૨૦૨૦માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા પાછળના ષડયંત્રના આરોપસર હૈદર સામે UAPA હેઠળ કેસ નોંધાયેલો છે અને તેને ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જામીન મળ્યા હતા.

 

(8:06 PM IST)