તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
આંધ્રપ્રદેશ સરકારને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પછાત વર્ગો માટે ૩૪ ટકા અનામતનો નિર્ણય ફગાવાયો
હાઇકોર્ટના ચુકાદાને સર્વોચ્ચ અદાલતે રાખ્યો અકબંધ : ૫૦ ટકાની બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન ગણાવી રાજ્ય સરકાર અને ચૂંટણી પંચને છ સપ્તાહમાં ચૂંટણી યોજવા કડક આદેશ

નવી દિલ્હી : દક્ષિણ ભારતના રાજકારણમાં અનામત મુદ્દે એક અત્યંત મહત્વપૂર્ણ અને સનસનાટીભર્યા અહેવાલ સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પછાત વર્ગો માટે ૩૪ ટકા અનામત આપવાના નિર્ણયને પડકારતી આંધ્રપ્રદેશ સરકારની અપીલ ફગાવી દીધી છે. આંધ્રપ્રદેશ હાઇકોર્ટે રાજ્ય સરકારના એ બે આદેશો ને રદ કરી દીધા હતા, જેમાં પછાત વર્ગો માટે અનામતમાં વધારો કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે આંધ્રપ્રદેશ હાઇકોર્ટના નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય અને કાયદાકીય દ્રષ્ટિએ વાજબી ઠેરવતા ચંદ્રબાબુ નાયડુ સરકારની અપીલને ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ શીલ નાગુની બેન્ચે આ કેસની ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે ૧ ઓક્ટોબરે આંધ્રપ્રદેશ હાઇકોર્ટે આપેલો આદેશ સંપૂર્ણપણે બંધારણીય મર્યાદાઓ મુજબ છે. અદાલતે પુનરોચ્ચાર કર્યો હતો કે રાજ્ય સરકારનો આ નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી અનામતની ૫૦ ટકાની મહત્તમ મર્યાદાનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરે છે. હાઇકોર્ટે અગાઉ પોતાના નિર્ણયમાં બે સરકારી આદેશો રદ કરવાની સાથે જ આંધ્રપ્રદેશ સરકાર અને રાજ્ય ચૂંટણી પંચને આગામી છ સપ્તાહની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાનો આદેશ આપ્યો હતો, જે સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ૧૮ ઓગસ્ટના રોજ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં પછાત વર્ગો માટે ૩૪ ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી નાયડુએ દાવો કર્યો હતો કે એનડીએ ગઠબંધનની સરકારે પોતાના રાજકીય સિદ્ધાંતો અને ચૂંટણી દરમિયાન પછાત વર્ગોને આપેલા વચનો પૂરા કરવા માટે આ પગલું ભર્યું છે. જોકે, સર્વોચ્ચ અદાલતના આ કડક નિર્ણય બાદ રાજ્ય સરકાર માટે મોટો રાજકીય આંચકો માનવામાં આવી રહ્યો છે અને હવે સરકારે ૫૦ ટકાની બંધારણીય મર્યાદામાં રહીને જ આગામી સ્થાનિક ચૂંટણીઓ યોજવી પડશે.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
