<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

CJI સામેની વાંધાજનક પોસ્ટ મામલે સુપ્રીમ કોર્ટ કેરળ કોંગ્રેસ પર લાલચોળ! : ન્યાયતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ સહન નહીં થાય!

રાજકીય પક્ષના સત્તાવાર X એકાઉન્ટ પરથી ચીફ જસ્ટિસ સામે કરાયેલી વિવાદિત ટિપ્પણી બદલ 'કોર્ટના અનાદર'ની નોટિસ ફટકારાઈ : કોર્ટે કહ્યું , બંધારણથી ઉપર કોઈ નથી, અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ન્યાયતંત્રને ડરાવી શકાય નહીં

નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી કથિત વાંધાજનક અને વિવાદિત પોસ્ટને લઈને સુપ્રીમ કોર્ટે કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ સામે કડક વલણ અપનાવ્યું છે. ન્યાયાધીશ અરવિંદ કુમાર અને ન્યાયાધીશ વિપુલ એમ. પંચોલીની પીઠે આ મામલે કેરળ કોંગ્રેસના તમામ જવાબદાર અધિકારીઓને નોટિસ ફટકારીને પૂછ્યું છે કે તેમની સામે 'અદાલતના અનાદર' (Contempt of Court) ની કાર્યવાહી કેમ શરૂ ન કરવી જોઈએ. નોંધનીય છે કે કેરળ કોંગ્રેસના અધિકૃત X એકાઉન્ટ પરથી CJI ના રાજીનામાની માંગ કરતી પોસ્ટ મૂકવામાં આવી હતી, જેને બાદમાં ડિલીટ કરી દેવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન કેરળ કોંગ્રેસ તરફથી હાજર રહેલા વકીલે બચાવ કરતા દલીલ કરી હતી કે આ પોસ્ટ પક્ષના વરિષ્ઠ અધિકારીઓની મંજૂરી વિના અપલોડ થઈ ગઈ હતી, જેને તુરંત જ હટાવી લેવામાં આવી છે અને પાર્ટી આ બાબતે બિનશરતી માફી માંગવા તૈયાર છે. તેના પર ન્યાયાધીશ અરવિંદ કુમારે આકરો પ્રહાર કરતા કહ્યું હતું કે, "અમે એ ચકાસીશું કે આ માફી હૃદયપૂર્વક માંગવામાં આવી છે કે માત્ર કાગળ પર લખેલી એક ઔપચારિકતા છે." અદાલતે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો કે કોઈ પણ રાજકીય સંગઠનના સત્તાવાર હેન્ડલ પરથી દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ સામે આવી ટિપ્પણીઓ કરવી એ અત્યંત ગંભીર બાબત છે.

સર્વોચ્ચ અદાલતે આકરી ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે આ દેશમાં બંધારણ સર્વોચ્ચ છે અને કોઈ પણ વ્યક્તિ કે રાજકીય પક્ષ કાયદાથી ઉપર હોઈ શકે નહીં. ન્યાયતંત્રની સ્વતંત્રતા એ કોઈ રાજકીય સુવિધા કે રમકડાંનો વિષય નથી. કોર્ટના નિર્ણયોની ટીકા કરવાનો દરેકને હક છે, પરંતુ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ન્યાયતંત્રની ગરિમાને નુકસાન પહોંચાડવાનો કે ન્યાયાધીશોને ડરાવવાનો પ્રયાસ ક્યારેય ચલાવી લેવાશે નહીં. જોકે, સુપ્રીમ કોર્ટે કડક નોટિસ પાઠવવાની સાથે હાલ પૂરતી કોંગ્રેસના અધિકારીઓને રૂબરૂ હાજરીમાંથી મુક્તિ આપી છે.

(1:43 PM IST)