<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

ત્રણ ભાષા નીતિ મુદ્દે કેન્દ્ર સરકાર સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: 'ધોરણ 6ના વિદ્યાર્થીઓને પણ રાહત કેમ નહીં?'

CBSE શાળાઓમાં ત્રિભાષા ફોર્મ્યુલા પર સર્વોચ્ચ અદાલતમાં ગરમાગરમ ચર્ચા : ધોરણ 7થી 10ને મુક્તિ અપાઈ તો છઠ્ઠા ધોરણના બાળકો પર શૈક્ષણિક બોજ કેમ?

નવી દિલ્હી:  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ની શાળાઓમાં અમલી બનાવાઈ રહેલી 'ત્રણ ભાષા નીતિ' ના અમલીકરણ અને તેનાથી વિદ્યાર્થીઓ પર વધતા માનસિક બોજ અંગે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટની બેંચ વચ્ચે આ નીતિની સમયમર્યાદા અને વ્યવહારિક અસરને લઈને ગરમાગરમ ચર્ચા જોવા મળી હતી. ખાસ કરીને ધોરણ 6 ના માસૂમ વિદ્યાર્થીઓ પર ત્રીજી ભાષા ફરજિયાત લાદવાના નિર્ણય પર સર્વોચ્ચ અદાલતે કડક પ્રશ્નો ઉઠાવ્યા હતા.

અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ આનંદ ગ્રોવરે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે શૈક્ષણિક અધિકારીઓ ધોરણ 6 ના વિદ્યાર્થીઓને આ નીતિમાંથી છૂટછાટ આપવાનો વિરોધ કરી રહ્યા છે, જે તેમના પર અસહ્ય શૈક્ષણિક દબાણ ઊભું કરે છે.


સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એ પક્ષ રાખતા જણાવ્યું હતું કે આ નીતિ સાથે જોડાયેલી વ્યવહારિક મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે અને ટૂંક સમયમાં વિગતવાર નોંધ દાખલ કરાશે. ASG એ દલીલ આપી હતી કે ધોરણ 7 થી 10 ના વિદ્યાર્થીઓને આ નીતિ હેઠળ પહેલેથી જ મુક્તિ (ਛૂટછાટ) આપવામાં આવી છે, પરંતુ ધોરણ 6 ના વિદ્યાર્થીઓને મુક્તિ ન આપી શકાય કારણ કે તેઓ આગામી ચાર વર્ષ પછી બોર્ડની પરીક્ષાઓ આપવાના છે, તેથી તેમની પાયાની તૈયારી અત્યારથી જ જરૂરી છે.

કેન્દ્રની આ દલીલ સામે બેંચના જજ ન્યાયાધીશ બાગચીએ આકરા પ્રશ્નો કર્યા હતા. તેમણે ટાંક્યું હતું કે, જો આ એક રાષ્ટ્રીય નીતિ છે અને તેના હેઠળ ધોરણ 7 થી 10 ના વિદ્યાર્થીઓને વ્યવહારિક સમસ્યાઓને કારણે રાહત આપવામાં આવી છે, તો પછી ધોરણ 6 ના નાના બાળકોને આ જ રાહત આપવાનો આગ્રહ કેમ રાખવામાં આવતો નથી? મિડલ સ્કૂલના પ્રારંભિક તબક્કે અચાનક ત્રીજી ભાષાનો બોજ નાખવાથી બાળકોના મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંતુલન પર વિપરીત અસર પડે છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ દેશભરની શાળાઓમાં ત્રિભાષી શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેમાં બે ભારતીય ભાષાઓ શીખવવી ફરજિયાત છે. જોકે, અચાનક ત્રીજી ભાષા ઉમેરાતા દેશભરના વાલીઓ અને શિક્ષણશાસ્ત્રીઓમાં ચિંતાનું મોજું ફેલાયું છે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તે નીતિગત નિર્ણયો કરતા બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને શૈક્ષણિક હિતોને પ્રાથમિકતા આપશે. હવે સર્વોચ્ચ અદાલત કેન્દ્ર સરકાર દ્વારા ગઠિત સમિતિના આગામી અહેવાલ અને સબમિટ થનારી નોંધની બારીકાઈથી તપાસ કર્યા બાદ આ મામલે આગળનો આદેશ જારી કરશે.

(6:25 PM IST)