તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
પેકેજ્ડ ફૂડમાં ખાંડ, મીઠું અને ચરબી અંગે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: FSSAI પાસે ૧૦ દિવસમાં માંગ્યો વિસ્તૃત જવાબ
પેકેજિંગના આગળના ભાગમાં સ્પષ્ટ ચેતવણી લેબલ લગાવવા આદેશ: બાળકો અને ઓછું ભણેલા લોકો પણ સમજી શકે તે માટે ચિત્રો અને પ્રતીકો મૂકવા કડક સૂચના

નવી દિલ્હી : દેશમાં પેકેજ્ડ ખાદ્યપદાર્થોના વપરાશ અને તેનાથી સ્વાસ્થ્ય પર પડતી અસરો અંગે સુપ્રીમ કોર્ટે અત્યંત ગંભીર વલણ અપનાવ્યું છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ને પેકેજ્ડ ફૂડમાં ઉચ્ચ ખાંડ, મીઠું અને ચરબીના પ્રમાણ અંગે અનેક આકરા પ્રશ્નો પૂછ્યા છે. ખાસ કરીને બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને પેકેજના આગળના ભાગમાં ગ્રાહકો સરળતાથી સમજી શકે તેવા ચેતવણી લેબલ મૂકવા અંગે કોર્ટે ૧૦ દિવસની અંદર શપથપત્ર દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી ૨૮ સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે.
સુનાવણી દરમિયાન FSSAI એ પ્રસ્તાવ મૂક્યો હતો કે 'હાઈ ફેટ', 'હાઈ સુગર' કે 'હાઈ સોલ્ટ' ધરાવતા પેકેજ પર લાલ રંગનો ષટ્કોણ દર્શાવવામાં આવશે અને આ યોજના બે તબક્કામાં લાગુ કરાશે. સુપ્રીમ કોર્ટે FSSAI ના આ બે તબક્કાના પ્રસ્તાવમાં મોટી ખામીઓ દર્શાવતા પૂછ્યું હતું કે પ્રથમ તબક્કામાં સિંગલ ઘટક ધરાવતા હાનિકારક ખોરાકને કેમ બહાર રાખવામાં આવ્યા? ઉપરાંત, બે તબક્કા વચ્ચે ચોક્કસ સમયમર્યાદા નક્કી ન હોવાથી નિયમોનો અમલ અનિશ્ચિત સમય માટે લંબાઈ શકે છે.
કોર્ટે FSSAI ના 'લાલ ષટ્કોણ'ના પ્રસ્તાવ સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ભારતમાં સામાન્ય રીતે લાલ રંગને માંસાહારી ખોરાક સાથે જોડવામાં આવતો હોવાથી તેનાથી ગ્રાહકોમાં મૂંઝવણ ઊભી થઈ શકે છે. દેશમાં ભાષાકીય વિવિધતા અને નિરક્ષરતાને ધ્યાનમાં રાખીને માત્ર અંગ્રેજીમાં "High Sugar" કે "High Fat" લખવાને બદલે ચિત્રો અથવા પ્રતીકોનો ઉપયોગ કરવાનો સુઝાવ આપ્યો હતો, જેથી સામાન્ય વ્યક્તિ પણ દૂરથી જોઈને સમજી શકે.
આ ઉપરાંત, અદાલતે ચેતવણી લેબલના ચોક્કસ કદ, પેકેજિંગ પર તેની જગ્યા, તેમજ ઉમેરાયેલી ખાંડ અને સંતૃપ્ત ચરબી ની સાચી વ્યાખ્યા સ્પષ્ટ કરવા કહ્યું છે. દેશના બાળકોમાં નાનપણથી જ યોગ્ય આહાર પદ્ધતિ કેળવાય તે માટે શાળાઓમાં કાર્યક્રમો અને વર્કશોપ દ્વારા ન્યુટ્રિશનલ માહિતી અને ચેતવણી ચિહ્નો સમજાવવા માટે કેન્દ્ર સરકાર શું પગલાં લઈ રહી છે તેનો જવાબ પણ કોર્ટે માંગ્યો છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
