<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

ભ્રષ્ટાચારના કેસમાં જપ્ત કરેલી ચલણી નોટો ઉંદર કોતરી ખાતા સુપ્રીમ કોર્ટ સ્તબ્ધ : બિહારના માલખાનાની સ્થિતિ અંગે વ્યક્ત કરી ભારે નારાજગી

ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે ઉંદરો દ્વારા કરાયેલા નુકસાનને રાજ્યની તિજોરી માટે મોટું નુકસાન ગણાવ્યું : ચલણી નોટોની સુરક્ષા મામલે સવાલ ઉઠાવતા સરકાર પાસે માગ્યો જવાબ

નવી દિલ્હી:બિહારમાં ભ્રષ્ટાચારના એક કેસમાં જપ્ત કરવામાં આવેલી ચલણી નોટોને ઉંદરોએ નુકસાન પહોંચાડ્યાની ઘટના સામે આવતા સુપ્રીમ કોર્ટે ભારે આશ્ચર્ય અને આઘાત વ્યક્ત કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલાને અત્યંત ગંભીર ગણાવતા ટિપ્પણી કરી હતી કે, સુરક્ષિત જગ્યાના અભાવે આવી રીતે ચલણી નોટોનો નાશ થવો એ રાજ્ય માટે મોટું મહેસૂલી નુકસાન છે. ઉંદરો દ્વારા નોટો નષ્ટ થવા અંગે અપાયેલું કારણ ગળે ઉતરે તેવું ન હોવાનું પણ અદાલતે નોંધ્યું હતું.

 

શું છે સમગ્ર મામલો?

આ કિસ્સો બિહારની એક મહિલા બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસર સાથે જોડાયેલો છે. વર્ષ ૨૦૧૪ માં મહિલા અધિકારી પર ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ માંગવા અને સ્વીકારવાનો આરોપ લાગ્યો હતો. જોકે, ટ્રાયલ કોર્ટે પુરાવાના અભાવે મહિલાને નિર્દોષ જાહેર કરી હતી, પરંતુ પટના હાઈકોર્ટે આ ચુકાદાને પલટી નાખતા ફેબ્રુઆરી ૨૦૨૫ માં મહિલાને ચાર વર્ષની જેલની સજા ફટકારી હતી. આ સજા વિરુદ્ધ મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

 

માલખાનામાં ઉંદરોનો આતંક અને કોર્ટની ટિપ્પણી:

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથનની બેન્ચ સમક્ષ સુનાવણી દરમિયાન પટના હાઈકોર્ટના ચુકાદાનો એક ફકરો ધ્યાને આવ્યો હતો. જેમાં ઉલ્લેખ હતો કે માલખાનાની ખરાબ હાલતને કારણે જપ્ત કરાયેલી ચલણી નોટોને ઉંદર અને અન્ય જીવજંતુઓએ કોતરી ખાઈને નષ્ટ કરી દીધી છે. આ વાંચીને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો સ્તબ્ધ થઈ ગયા હતા. ૨૪ એપ્રિલના રોજ આપેલા આદેશમાં બેન્ચે જણાવ્યું હતું કે, "અમને નવાઈ લાગે છે કે ચલણી નોટો ઉંદરો દ્વારા નષ્ટ થઈ ગઈ. આવી રીતે કેટલી નોટો નાશ પામતી હશે? આ રાજ્યનું મોટું આર્થિક નુકસાન છે."

 

સજા સ્થગિત અને જામીન મંજૂર:

સુપ્રીમ કોર્ટે મહિલા અરજદારની જેલની સજા હાલ પૂરતી સ્થગિત કરી દીધી છે અને તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ચલણી નોટોના નષ્ટ થવા અંગે જે સ્પષ્ટતા કરવામાં આવી છે તે વિશ્વાસપાત્ર લાગતી નથી. આગામી સુનાવણી દરમિયાન અદાલત આ મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ કરશે કે માલખાનામાં પુરાવા તરીકે રખાયેલી સંપત્તિની સુરક્ષા માટે કેવા પ્રકારની વ્યવસ્થા હોય છે. આ ઘટનાએ પોલીસ અને વહીવટી તંત્રની બેદરકારીને જાહેરમાં લાવી દીધી છે.

(9:52 PM IST)