તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
જેલમાંથી સરકાર ચલાવવા પર સુપ્રીમ બ્રેક: PM-CM ગુનાખોરીના કેસમાં પદ પરથી ‘દૂર’ કરવાને બદલે ‘સસ્પેન્ડ’ કરવાની સંસદીય સમિતિની મોટી ભલામણ
૧૩૦મા બંધારણીય સુધારા બિલ પર સંયુક્ત સમિતિનો ઐતિહાસિક પ્રસ્તાવ : ગંભીર ગુનાઓમાં ૩૦ દિવસથી વધુ જેલમાં રહેનારા ટોચના નેતાઓનું પદ આપમેળે સ્થગિત થશે, પરંતુ નિર્દોષ છૂટ્યે જ ખુરશી પાછી મળશે

નવી દિલ્હી: દેશના રાજકારણ અને બંધારણીય ઈતિહાસમાં એક ખૂબ જ મોટો અને વ્યાપક ફેરફાર થવા જઈ રહ્યો છે. વડા પ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ કે રાજ્યોના મુખ્યમંત્રીઓ ગંભીર ગુનાના આરોપ હેઠળ જેલમાં જાય તો પણ જેલની અંદરથી સરકાર ચલાવવાની જીદ પર હવે કાયદાકીય બ્રેક વાગશે. સંસદની સંયુક્ત સમિતિએ ૧૩૦મા બંધારણીય સુધારા બિલની સમીક્ષા કર્યા બાદ એક અત્યંત મહત્વપૂર્ણ ભલામણ કરી છે. સમિતિના પ્રસ્તાવ મુજબ, જો કોઈ પીએમ, સીએમ કે મંત્રી ગંભીર ગુનાહિત કેસમાં સતત ૩૦ દિવસ સુધી અટકાયતમાં એટલે કે જેલમાં રહે, તો તેમને પદ પરથી કાયમી ધોરણે 'દૂર' કરવાને બદલે માત્ર 'સસ્પેન્ડ' કરવા જોઈએ. આ વ્યવસ્થા હેઠળ જો તેઓ નિર્ધારિત સમયમાં નિર્દોષ જાહેર થાય તો તેમનું સસ્પેન્શન આપમેળે સમાપ્ત થઈ જશે અને તેઓ પદ પર પરત ફરી શકશે.
ઓગસ્ટ ૨૦૨૫ માં જ્યારે આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે તેમાં જોગવાઈ હતી કે જો કોઈ સીએમ કે મંત્રી જેલમાં ગયાના ૩૧મા દિવસ સુધી રાજીનામું ન આપે, તો તેમને આપમેળે પદ પરથી બરતરફ કરી દેવાશે. જો કે, વિપક્ષી પક્ષોએ આ જોગવાઈનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે આ કાયદો વિપક્ષ શાસિત રાજ્યોની સરકારોને અસ્થિર કરવાનું એક ષડયંત્ર છે, જેના કારણે મોટાભાગના વિપક્ષી નેતાઓ આ સમિતિથી દૂર રહ્યા હતા. હવે વિપક્ષની ચિંતાઓ અને આશંકાઓને ધ્યાનમાં રાખીને સંસદીય સમિતિએ 'પદ પરથી દૂર કરવા' શબ્દને બદલીને 'સસ્પેન્શન' કરવાની નરમ નીતિ અપનાવી છે, જેથી જો કોઈ નેતા રાજકીય ષડયંત્રનો ભોગ બન્યા હોય અને કોર્ટમાંથી નિર્દોષ છૂટે, તો તેમનું સસ્પેન્શન કાયમી ન બને અને તેમની પુનઃનિયુક્તિ સુનિશ્ચિત થઈ શકે.
આ નવા પ્રસ્તાવિત કાયદાને વધુ મજબૂત અને સચોટ બનાવવા માટે સમિતિએ બે મહત્વની કાનૂની શરતો પણ જોડી છે. પ્રથમ તો એ કે જે ગુનાઓમાં પાંચ વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈ હોય, તેવા જ ગંભીર ફોજદારી ગુનાઓને આ સસ્પેન્શનની યાદીમાં સામેલ કરવામાં આવશે જેથી કાયદાનો દુરુપયોગ ન થાય. બીજી શરત એ છે કે આવા ઉચ્ચ બંધારણીય પદો પર બેઠેલા નેતાઓના કેસોની સુનાવણી સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર ફાસ્ટ-ટ્રેક અથવા વિશેષ અદાલતોમાં ખૂબ જ ઝડપથી પૂર્ણ થવી જોઈએ. આ ભલામણોનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે લોકશાહીમાં કોઈ પણ સરકાર જેલના સળિયા પાછળથી ન ચાલે. ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં આ સુધારાઓ સાથે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મેળવીને તેને સત્તાવાર રીતે લોકસભામાં પસાર કરવા માટે રજૂ કરશે.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
