તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
હાઈવે પર અકસ્માતો અટકાવવા સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: સ્થિર વાહનોને ટ્રેક કરવા NHAI પાસે ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ કેમ નથી?
રાજસ્થાનના ફલોદીમાં ૧૫ લોકોના મોત બાદ હાઈવે પર ગેરકાયદે પાર્કિંગ અને દબાણો સામે સુપ્રીમ કોર્ટે લીધી ગંભીર નોંધ; આગામી ૧૩ ઓક્ટોબરે યોજાશે મહત્વપૂર્ણ સુનાવણી

નવી દિલ્હી : દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પાર્ક કરેલા વાહનોને કારણે થતા જીવલેણ અકસ્માતો અંગે સુપ્રીમ કોર્ટે મંગળવારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) નો ભારેડો કાન આમળ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ અને જસ્ટિસ સંદીપ મહેતાની ત્રિપુટી બેંચે રાજસ્થાનના ફલોદીમાં થયેલા ગંભીર માર્ગ અકસ્માત અંગેની સુઓ મોટુ સુનાવણી દરમિયાન સખત સવાલ કર્યો હતો કે તમામ આધુનિક સંસાધનો ઉપલબ્ધ હોવા છતાં NHAI પાસે હાઈવે પર પાર્ક કરેલા કે સ્થિર વાહનોને તાત્કાલિક ટ્રેક કરવા માટે ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ કેમ નથી.
આ સુનાવણી દરમિયાન કોર્ટના સહાયક (એમિકસ ક્યુરી) વરિષ્ઠ વકીલ એ.એન.એસ. નાડકર્ણીએ હાઈવે પર બેજવાબદારીપૂર્વક વાહનોના પાર્કિંગને કારણે સતત વધી રહેલા માર્ગ અકસ્માતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં NHAI ના વકીલે દાવો કર્યો હતો કે તેમની ટીમ દ્વારા હાઈવે પર નિયમિત પેટ્રોલિંગ અને તપાસ કરવામાં આવે છે, પરંતુ સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે માર્ગો પર વહીવટી સુસ્તી કે માળખાકીય ખામીઓના કારણે લોકોના જીવ જોખમમાં મુકાવા જોઈએ નહીં અને ડિજિટલ નિરીક્ષણ તંત્ર અત્યંત જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે રજૂ થયેલી વિવિધ વચગાળાની અરજીઓ પર આગામી ૧૩ ઓક્ટોબરે સુનાવણી મુલતવી રાખી છે, જેમાં મુખ્યત્વે હાઈવે પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા અને વાહનોના ગેરકાયદે પાર્કિંગ પર કડક નિયંત્રણ લાદવા અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ પૂર્વે ગયા વર્ષે સપ્ટેમ્બર અને એપ્રિલ મહિનામાં પણ કોર્ટે હાઈવે પર સ્થિત ઢાબા, ભોજનાલય અને અન્ય વાણિજ્યિક માળખાના બાંધકામ તેમજ અનધિકૃત પાર્કિંગ સામે કડક વચગાળાના નિર્દેશો જારી કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કાનૂની કાર્યવાહી નવેમ્બર ૨૦૨૫માં રાજસ્થાનના ફલોદી વિસ્તારમાં ભારત માલા હાઈવે પર માટોડા ગામ નજીક સર્જાયેલા દર્દનાક અકસ્માત પરથી શરૂ થઈ હતી. જેમાં બિકાનેરના કોલાયત મંદિરથી જોધપુર જઈ રહેલી એક 'ટેમ્પો ટ્રાવેલર' હાઈવે પર ઉભેલા સ્થિર ટ્રેલર ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં ૧૫ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સર્વોચ્ચ અદાલતે જાતે સંજ્ઞાન (સુઓ મોટુ) લઈને કાર્યવાહી શરૂ કરી હતી.
અદાલતે અગાઉના નિર્દેશોમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા NHAI ને તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના 'અકસ્માત કાળા સ્થળો' (Accident Black Spots) ની વ્યાપક યાદી તૈયાર કરીને જાહેર કરવા આદેશ આપ્યો હતો. તદુપરાંત, નિયુક્ત પાર્કિંગ ઝોન કે લે-બાય સિવાય હાઈવેના મુખ્ય કેરેજવે કે પાકા શોલ્ડર પર ભારે કે વાણિજ્યિક વાહનો પાર્ક કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવાયો હતો.
સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા નોંધ્યું હતું કે ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો કુલ રસ્તાની લંબાઈના માત્ર ૨ ટકા જેટલો હિસ્સો ધરાવે છે, પરંતુ માર્ગ અકસ્માતમાં થતા કુલ મૃત્યુમાંથી આશરે ૩૦ ટકા અકસ્માતો હાઈવે પર જ થાય છે. જેથી કોઈ હાઈ-સ્પીડ એક્સપ્રેસવે કે રાષ્ટ્રીય રાજમાર્ગ વહીવટી બેદરકારીના કારણે 'જોખમનો કોરિડોર' ન બને તે માટે આગામી દિવસોમાં NHAI માટે ઈલેક્ટ્રોનિક મોનિટરિંગ કડક બનાવવાની દિશામાં અદાલત દ્વારા મોટા આદેશો થવાની સંભાવના છે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
