News of Friday, 11th September 2026
કૂતરાને ફરવા માટે સ્ટેડિયમ ખાલી કરાવનાર IAS અધિકારીને સુપ્રીમ કોર્ટનો મોટો આંચકો: પુનઃસ્થાપન આદેશ પર મૂક્યો સ્ટે!
દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો; ત્યાગરાજ સ્ટેડિયમ વિવાદમાં ફરજિયાત નિવૃત્ત કરાયેલા રિંકુ ધુગ્ગાને સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ.

નવી દિલ્હી : પોતાના પાલતુ કૂતરાને ફરવા માટે આખું સ્ટેડિયમ ખાલી કરાવવાના ચર્ચિત અને વિવાદાસ્પદ મામલામાં સામેલ IAS અધિકારી રિંકુ ધુગ્ગાને દેશની સર્વોચ્ચ અદાલત તરફથી મોટો આંચકો લાગ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ફરજિયાત નિવૃત્ત (Compulsory Retirement) કરાયેલા આ મહિલા અધિકારીને પુનઃસ્થાપિત કરવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાનીની બેન્ચે કેન્દ્ર સરકારની અરજી પર સુનાવણી કરતા ધુગ્ગાને નોટિસ ફટકારી છે.
આ સમગ્ર વિવાદ વર્ષ ૨૦૨૨ માં સામે આવ્યો હતો, જ્યારે દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં રમતવીરોને વહેલા બહાર કાઢીને IAS અધિકારી રિંકુ ધુગ્ગા અને તેમના પતિ દ્વારા કૂતરાને ટહેલાવવાના સમાચારો અને તસવીરો વાયરલ થઈ હતી. આ ઘટના સામે દેશભરમાં ભારે આક્રોશ ફેલાતાં કેન્દ્ર સરકારે તેમની સામે કડક વલણ અપનાવીને તેમને સેવામાંથી ફરજિયાત નિવૃત્ત કરી દીધા હતા. જોકે, ધુગ્ગાએ આ નિર્ણયને સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT) માં પડકાર્યો હતો, જ્યાંથી તેમની પુનઃસ્થાપનાનો આદેશ થયો હતો અને બાદમાં દિલ્હી હાઈકોર્ટે પણ એપ્રિલ મહિનામાં ટ્રિબ્યુનલના નિર્ણયને સમર્થન આપ્યું હતું.
દિલ્હી હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આ કિસ્સામાં ફરજિયાત નિવૃત્તિ જેવી સખત શિક્ષા અયોગ્ય છે અને સેવા રેકોર્ડ ઉત્તમ હોવાથી તેમને 'ડેડવુડ' (નકામા કે બોજારૂપ અધિકારી) ગણી શકાય નહીં. હાઈકોર્ટના આ નિર્ણયને કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપતાં સ્પષ્ટ કર્યું છે કે આગામી આદેશ સુધી તેમની પુનઃસ્થાપના નહીં થાય. આ હાઈ-પ્રોફાઈલ કેસની આગામી સુનાવણી ૧૩ ઓક્ટોબરના રોજ નક્કી કરવામાં આવી છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
