તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
વરિષ્ઠતાને કોરાણે મૂકીને સુપ્રીમ કોર્ટમાં જજની બઢતી? કોલેજિયમ સિસ્ટમની પારદર્શકતા સામે ઉઠ્યા ગંભીર સવાલો!
ટોચના ૧, ૨ અને ૩ ક્રમના મુખ્ય ન્યાયાધીશોની બાદબાકી કરીને ૪, ૫ અને ૬ઠ્ઠા નંબરના જજોને સુપ્રીમ કોર્ટ માટે રિકમેન્ડ કરાતા કાયદાકીય અને ન્યાયિક વર્તુળોમાં ભારે ગરમાવો

નવી દિલ્હી, તા.૨૯: સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટેની કોલેજિયમ સિસ્ટમ ફરી એકવાર ગંભીર વિવાદો અને સવાલોના ઘેરાવામાં આવી ગઈ છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ની આગેવાની હેઠળના કોલેજિયમે દેશના વિવિધ હાઈકોર્ટના ત્રણ મુખ્ય ન્યાયાધીશોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે પ્રોમોટ કરવાની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી છે. જોકે, આ ભલામણમાં અખિલ ભારતીય વરિષ્ઠતા (All India Seniority) ક્રમમાં ટોચ પર રહેલા પ્રથમ ત્રણ ન્યાયાધીશોની બાદબાકી કરીને ચોથા, પાંચમા અને છઠ્ઠા ક્રમના જજોના નામો પસંદ કરવામાં આવતા ન્યાયતંત્રની અંદર અને બહાર ભારે અસંતોષ વ્યાપી ગયો છે.
કોલેજિયમ દ્વારા કરાયેલી ભલામણો
ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં યોજાયેલી કોલેજિયમની બેઠકમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અપરેશ કુમાર સિંહને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની સત્તાવાર ભલામણ કરવામાં આવી છે. જો કેન્દ્ર સરકાર આ નામોને મંજૂરી આપશે, તો સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા વધીને ૩૭ થશે, જેમાં મહિલા ન્યાયાધીશોની સંખ્યા બેથી વધીને ત્રણ થઈ જશે.
'સંસ્થાકીય ધોવાણ': પૂર્વ અમલદારો અને નિષ્ણાતોનો આકરો પ્રહાર
બઢતીની આ પ્રક્રિયા સામે પૂર્વ અમલદારો અને વરિષ્ઠ પત્રકારોએ સોશિય મીડિયા પર તીખી પ્રતિક્રિયા આપી છે. પૂર્વ અમલદાર આશિષ જોશીએ આ પગલાંને "સંસ્થાકીય ધોવાણ" ગણાવતા આક્ષેપ કર્યો છે કે વરિષ્ઠતાને અવગણીને જુનિયરોને પ્રોમોશન આપવાથી ન્યાયતંત્રનું મનોબળ તૂટી જાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જ્યારે ગુણવત્તા અને અનુભવને બદલે બંધ બારણે નિર્ણય લેવાય છે, ત્યારે લોકોમાં એવી લાગણી જન્મે છે કે સિનિયોરિટીનો કોઈ અર્થ નથી રહ્યો. જો કોલેજિયમ સીનિયર જજોને બાદ કરે છે, તો તેણે તેના સ્પષ્ટ અને લેખિત કારણો જાહેર કરવા જોઈએ; નહિતર પારદર્શકતાનો દાવો પોકળ સાબિત થાય છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
