News of Thursday, 5th November 2026
સુપ્રિમ કોર્ટે કસ્ટડી અને એરેસ્ટ વચ્ચેની ભેદરેખા ભૂંસી નાખી અટકાયત હશે તો પણ ૨૪ કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા ફરજીયાત
સુપ્રીમ કોર્ટે પોલીસની કામગીરીને ખુલ્લી પાડતા એક મહત્વનો ચુકાદો આપ્યો છેઃ આ ચુકાદાથી ધરપકડ અને કસ્ટડી વચ્ચેની કાયદાકીય ભેદરેખા પણ ભૂંસી નાખી છેઃ હવે કોઈ વ્યક્તિને પોલીસ અટકાયત કરે તો પણ ૨૪ કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ હાજર કરવા પડશેઃ અત્યાર સુધીમાં પોલીસ કોઈની ધરપકડ કરે તો જ ૨૪ કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ હાજર કરતી હતી સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો ૨૪ કલાકનો સમય ઔપચારિક ધરપકડથી નહીં પરંતુ અટકાયતની શરૂઆતથી ગણાશેઃ ધરપકડ અને અટકાયત વચ્ચે કળત્રિમ તફાવત અબંધારણીય છેઃ ત્રિપુરા કેસમાં ૨૪ કલાકના નિયમના ભંગ બદલ ચારેય આરોપીઓને તુરંત મુક્ત કરવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ

નવી દિલ્હી, તા.૫: સુપ્રીમ કોર્ટે નાગરિકોની સક્ષમ વ્યક્તિગત સ્વતંત્રતા અને બંધારણીય અધિકારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે સ્પષ્ટ અને કડક શબ્દોમાં નિર્દેશ આપ્યો છે કે કાયદાકીય રક્ષણના દ્રષ્ટિકોણથી અટકાયત અને ધરપકડ વચ્ચેનો તફાવત દર્શાવવાનો પ્રયાસ બંધારણીય રીતે અમાન્ય છે. કોર્ટે ઠેરવ્યું છે કે બંધારણીય રક્ષણના દ્રષ્ટિકોણથી આ બંને પરિસ્થિતિઓ મૂળભૂત રીતે એક જ છે, કારણ કે બંનેમાં વ્યક્તિની સ્વતંત્રતા સીમિત કે પ્રતિબંધિત થાય છે. આથી, આરોપીને ૨૪ કલાકની અંદર ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા માટેનો ૨૪ કલાકનો સમયગાળો તેની ઔપચારિક ધરપકડ દર્શાવવાના સમયથી નહીં, પરંતુ તેને કસ્ટડી કે અટકાયતમાં લેવાયાની -થમ ક્ષણથી જ શરૂ થઈ જશે.તપાસ એજન્સીઓ અને પોલીસ અગાઉ શંકાસ્પદ કે આરોપી વ્યક્તિને પૂછપરછ કે તપાસના નામે કલાકો કે દિવસો સુધી પોતાની પાસે અટકાયતમાં રાખતી હતી અને ત્યારબાદ કાગળ પર સત્તાવાર રીતે ધરપકડ બતાવીને ૨૪ કલાકના સમયગાળાની ગણતરી કરતી હતી. સુપ્રીમ કોર્ટે આ પ્રથા પર લાલઆંખ કરતાં સ્પષ્ટ કર્યું છે કે વ્યક્તિની સ્વતંત્રતા પર કાપ મૂકાતાં જ ૨૪ કલાકનું કાઉન્ટડાઉન શરૂ થઈ જાય છે. જો નિર્ધારિત ૨૪ કલાકમાં આરોપીને કાયદાકીય મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં ન આવે, તો તે અટકાયત બંધારણની જોગવાઈઓનું સીધું અને ગંભીર ઉલ્લંઘન ગણાશે.
પોતાના અન્ય એક અતિ મહત્વપૂર્ણ અવલોકનમાં સર્વોચ્ચ અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે બંધારણના અર્થઘટન માટે ખાસ કાયદાઓનો ઉપયોગ કરી શકાતો નથી, પરંતુ તેનાથી વિપરીત આવા કાયદાઓનું અર્થઘટન બંધારણીય સિદ્ધાંતોને આધીન રહીને થવું જોઈએ. ગેરકાયદેસર પ્રવળત્તિઓ નિવારણ અધિનિયમ, નાર્કોટિક ડ્રગ્સ અને મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ જેવા અત્યંત કઠોર કાયદાઓ હેઠળ ચાલતા ટ્રાયલમાં વિલંબ તેમજ જામીન આપવાના કિસ્સાઓમાં પણ આરોપીના બંધારણીય અને મૂળભૂત અધિકારોને વિશેષ કાયદાઓની જોગવાઈઓ કરતાં પ્રાથમિકતા આપવી પડશે. આ નિર્ણયથી પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓની મનસ્વી કાર્યવાહી સામે નાગરિકોને એક મજબૂત કાયદાકીય સુરક્ષા કવચ પ્રાપ્ત થયું છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
