તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
સુપ્રીમ કોર્ટે લાંચ કેસમાં પંજાબના નિલંબિત ડીઆઈજી હરચરણ સિંહ ભુલ્લરની જામીન અરજી પર કડક વલણ અપનાવતા તેને સીધી ફગાવી દેવાનો સંકેત આપ્યો.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તના નેતૃત્વ હેઠળની પીઠે ટ્રાયલ દરમિયાન મહત્વના સાક્ષીઓની જુબાની બાકી હોવાનું નોંધીને જામીન અરજી પરની સુનાવણી આગામી ચાર સપ્તાહ સુધી મુલતવી રાખી.

નવી દિલ્હી:સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા લાંચ અને ભ્રષ્ટાચારના કેસમાં પકડાયેલા પંજાબ પોલીસના નિલંબિત ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (DIG) હરચરણ સિંહ ભુલ્લરની બીજી જામીન અરજી પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે અત્યંત સખત વલણ અપનાવ્યું છે. દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્ત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી ત્રિપુટી પીઠે મૌખિક ટિપ્પણી કરતા સ્પષ્ટ કર્યું હતું કે આ કેસ સંપૂર્ણપણે અરજી ફગાવી દેવાને પાત્ર છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી ચાર સપ્તાહ માટે મુલતવી રાખીને સંકેત આપ્યો છે કે મહત્વપૂર્ણ દસ્તાવેજી અને મુખ્ય સાક્ષીઓની તપાસ પૂર્ણ થયા બાદ જ જામીન પર વિચારણા થઈ શકે છે.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે નિલંબિત અધિકારીના વકીલને કડક શબ્દોમાં પૂછ્યું હતું કે, "આ કેસ ૧૦૦ ટકા ફગાવી દેવા લાયક છે. તમે અરજી અત્યારે ફગાવી દેવા માંગો છો કે પછીથી?" ભુલ્લરના બચાવ પક્ષના વકીલે અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે કેટલીક કાર્યવાહી અને નિવેદનો નોંધવામાં આવ્યા છે પરંતુ મૂળ ફરિયાદ પક્ષના મુખ્ય સાક્ષીઓ અને ફરિયાદીની અદાલતમાં જુબાની લેવાની હજુ બાકી છે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા ૧૦ ઓગસ્ટે જામીન અરજી નાંજૂર કરવામાં આવ્યા બાદ ભુલ્લરે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
આ ચર્ચિત કેસની પૃષ્ઠભૂમિ અંગે વાત કરીએ તો, ઓક્ટોબર ૨૦૨૫માં રોપર રેંજ ખાતે ડીઆઈજી તરીકે ફરજ બજાવતા હરચરણ સિંહ ભુલ્લર સામે મંડી ગોબિંદગઢના એક સ્ક્રેપ વેપારી આકાશ બટ્ટાએ CBI સમક્ષ ગંભીર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે સરહિંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક એફઆઈઆર સંદર્ભે વેપારી વિરુદ્ધ કોઈ કડક પગલાં ન લેવા અને કેસમાં રાહત આપવાના બદલામાં ડીઆઈજીએ એક ખાનગી મધ્યસ્થી ક્રિશાનુ શાર્દા મારફતે રૂ. ૮ લાખની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.
ફરિયાદના આધારે સીબીઆઈની ટીમે ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ચંડીગઢ ખાતે છટકું ગોઠવ્યું હતું. તપાસ એજન્સીએ મધ્યસ્થી ક્રિશાનુને રૂ. ૫ લાખની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને તેને આધારે તે જ દિવસે ડીઆઈજી ભુલ્લરની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ સીબીઆઈ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન ભુલ્લરના રહેઠાણ અને અન્ય સ્થળોએથી કરોડો રૂપિયાની રોકડ, સોનાના દાગીના, કિંમતી ઘડિયાળો તેમજ સ્થાવર મિલકતોના દસ્તાવેજો મળી આવ્યા હતા, જેને પગલે પંજાબ વિજિલન્સ બ્યુરો દ્વારા તેમની સામે આવક કરતાં વધુ મિલકતનો અલગથી કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.
અગાઉ ચંડીગઢની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે અને ત્યારબાદ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ભુલ્લરની જામીન અરજીઓ ફગાવી દીધી હતી. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે ઉપલબ્ધ ઓડિયો રેકોર્ડિંગ, વેરિફિકેશન રિપોર્ટ અને ટ્રેપની કાર્યવાહી જોતાં પ્રથમ દૃષ્ટિએ લાંચ માંગવામાં આવી હોવાના મજબૂત પુરાવા છે. ઉચ્ચ પોલીસ અધિકારી હોવાના નાતે જામીન પર મુક્ત કરવામાં આવે તો તે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે અથવા પુરાવા સાથે ચેડાં કરી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. હાલ સુપ્રીમ કોર્ટે પણ કોઈ રાહત આપવાનો સ્પષ્ટ ઈનકાર કરીને આગામી ચાર અઠવાડિયા પછી જ સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.
(5:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
