News of Wednesday, 25th November 2026
CBSEની ત્રણ ભાષાની નીતિ મામલે વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટની રાહત, બે ભાષામાં અભ્યાસ ચાલુ રાખવાની છૂટ
અગાઉ ત્રણ ભાષા પસંદ કરનારા વિદ્યાર્થીઓ તે મુજબ આગળ વધી શકશે, અન્ય વિદ્યાર્થીઓ પર દબાણ નહીં કરવા નિર્દેશ

નવી દિલ્હી : CBSEની ત્રણ ભાષાની નીતિને પડકારતી અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે જે વિદ્યાર્થીઓએ અગાઉથી જ ત્રણ ભાષાઓ પસંદ કરી લીધી છે તેઓ પોતાની પસંદગી મુજબ અભ્યાસ ચાલુ રાખી શકે છે, જ્યારે બે ભાષાઓનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને પણ આ વર્ષે બે ભાષાઓ સાથે અભ્યાસ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવશે. બાળકો સાથે સંકળાયેલા આ મુદ્દાને વધુ લંબાવવા માંગતા ન હોવાનું જણાવી કોર્ટે વિદ્યાર્થીઓ પર ત્રીજી ભાષા માટે દબાણ ન કરવાનો અભિગમ અપનાવ્યો છે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ જણાવ્યું હતું કે, "અમે કહ્યું હતું કે ધોરણ ૬ના વિદ્યાર્થીઓ કે જેમણે ત્રણ ભાષા પસંદ કરી છે તેઓ ત્રણ ભાષાઓ સાથે અભ્યાસ ચાલુ રહેશે. જેમણે ત્રણ ભાષા પસંદ કરી નથી તેમને આવું કરવા માટે દબાણ કરશો નહીં. તેઓ અત્યારે જે રીતે અભ્યાસ કરી રહ્યાં છે તે રીતે અભ્યાસ કરવા દો."
ચીફ જસ્ટિસે પણ સ્પષ્ટતા કરી હતી કે હાલમાં બે ભાષાનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને આ વર્ષે બે ભાષાઓમાં ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે અને આ મામલો બાળકો સાથે જોડાયેલો હોવાથી તેને વિસ્તારવા માંગતા નથી, તેથી જેમણે પહેલેથી જ પસંદ કર્યું છે તેઓને તે રીતે ચાલુ રાખવા દેવું જોઈએ.
આ સુનાવણીમાં અરજદારો તરફથી વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણન અને CBSE તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા ખંડપીઠ સમક્ષ હાજર રહ્યા હતા, જ્યાં બંને પક્ષો વચ્ચેની રજૂઆતો અને નીતિ સંબંધિત મુદ્દાઓ પર કોર્ટે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.
પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, CBSEની ત્રણ ભાષાની નીતિ અને ધોરણ ૬ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ભાષાની પસંદગીને લઈને વિવિધ અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
હાલમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અને વર્તમાન અભ્યાસક્રમની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ આગળની કાર્યવાહી થશે, જ્યારે આગામી સમયમાં આ મુદ્દે કોર્ટમાં થનારી વધુ સુનાવણી અને નિર્ણયો પર સૌની નજર રહેશે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
