<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

જ્ઞાનેશકુમારને સુપ્રિમકોર્ટની રાહતઃ સસ્‍પેન્‍ડ કરવાની અરજી ફગાવી

ચુંટણીપંચ અને કેન્‍દ્ર સરકારને નોટિસ ફટકારીઃ સ્‍પષ્‍ટ જવાબ રજુ કરવા આદેશઃ વધુ સુનાવણી આગામી અઠવાડીયે જો નિર્ણયો કાયદાકીય પ્રક્રિયા વિરૂધ્‍ધ હશે તો તેને ઉથલાવી દેવાની કોર્ટે આપી ચેતવણી

નવી દિલ્‍હી, તા.૫: મુખ્‍ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે SIR  વિવાદ અને મતદાર યાદીના મુદ્દે ચાલી રહેલા ભારે હંગામા વચ્‍ચે સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આપતા તેમને વચગાળાના સસ્‍પેન્‍શનમાંથી મોટી રાહત આપી છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં યોજાયેલી સુનાવણી દરમિયાન અદાલતે જ્ઞાનેશ કુમારને પદ પરથી સસ્‍પેન્‍ડ કરવાનો વચગાળાનો આદેશ આપવાનો સ્‍પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેથી તેઓ પોતાના પદ પર યથાવત રહેશે. જો કે, અરજદારોના વરિષ્ઠ વકીલ દ્વારા ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવવામાં આવ્‍યા હતા અને જો વચગાળાનો આદેશ નહીં અપાય તો દેશમાં ગંભીર સ્‍થિતિ સર્જાશે તેવી દલીલો કરવામાં આવી હતી, છતાં કોર્ટે ઉતાવળમાં કોઈ કડક પગલું ભરવાનું ટાળ્‍યું છે.

આ કેસની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને મુખ્‍ય ન્‍યાયાધીશ સૂર્યકાંત, ન્‍યાયાધીશ જોયમલ્‍યા બાગચી અને ન્‍યાયાધીશ વી. મોહનાની બનેલી ત્રણ સભ્‍યોની વિશેષ બેન્‍ચે કેન્‍દ્ર સરકાર અને ચૂંટણી પંચ ને સત્તાવાર નોટિસ પાઠવીને આ મામલે વિસ્‍તળત જવાબ માંગ્‍યો છે. અરજીમાં મુખ્‍ય આક્ષેપ કરવામાં આવ્‍યો છે કે ચૂંટણી પંચના કેટલાક મહત્‍વપૂર્ણ નિર્ણયો અન્‍ય કમિશનરોની સહમતિ કે સંમતિ વગર લેવામાં આવ્‍યા છે. આ અંગે સુપ્રીમ કોર્ટે સ્‍પષ્ટતા કરી છે કે તે સંબંધિત રેકોર્ડ્‍સની ઊંડાણપૂર્વક તપાસ કરશે કે નિર્ણયો સર્વાનુમતે લેવાયા હતા કે બહુમતીથી, અને જો કોઈ પણ આદેશ કાયદાકીય જોગવાઈઓ કે નિયમો સાથે અસંગત જણાશે તો કોર્ટ તેને તાત્‍કાલિક રદ કરતા અચકાશે નહીં.

સુપ્રીમ કોર્ટે અખબારી અહેવાલો અને વિપક્ષી દલીલોની નોંધ લેતા આ સમગ્ર પ્રકરણની ન્‍યાયિક સમીક્ષા કરવાનું વલણ દાખવ્‍યું છે, અને આ મામલે આગામી સુનાવણી હવે આવતા અઠવાડિયે હાથ ધરવામાં આવશે. આ હાઈપ્રોફાઇલ કેસમાં હાલ પૂરતા CEC જ્ઞાનેશ કુમારને રાહત મળી ગઈ હોય, પરંતુ ચૂંટણી પંચની કામગીરી અને પારદર્શિતા સામે ઊભા થયેલા સવાલોના જવાબ આગામી સમયમાં કેન્‍દ્ર સરકાર અને પંચે કોર્ટ સમક્ષ રજૂ કરવા જ પડશે, જે પરથી દેશનું આગામી રાજકીય અને કાનૂની ચિત્ર સ્‍પષ્ટ થશે.

(3:38 PM IST)