News of Saturday, 16th May 2026
કરોડોની બ્રાન્ડ 'MARQ' પર ફ્લિપકાર્ટને સુપ્રીમ કોર્ટનો જોરદાર ઝટકો: ટ્રેડમાર્ક વાપરવા પર પ્રતિબંધ, કરોડોનો સ્ટોક ખાલી કરવા મળ્યા માત્ર 8 અઠવાડિયા
દિલ્હી હાઇકોર્ટના વચગાળાના મનાઈ હુકમમાં દખલ કરવાનો સર્વોચ્ચ અદાલતનો સાફ ઇનકાર; "MARC" અને "MARQ" વચ્ચેના ગજગ્રાહમાં ગ્રાહકો છેતરાવાની આશંકા સાચી ઠરી, કોર્ટ સમક્ષ રજૂ કરવો પડશે આદેશના પાલનનો સત્તાવાર અહેવાલ

નવી દિલ્હી: ભારતની સૌથી મોટી ઇ-કોમર્સ કંપનીઓ પૈકીની એક ફ્લિપકાર્ટને બ્રાન્ડ નેમના વિવાદમાં દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ તરફથી બહુ મોટો કાનૂની આંચકો લાગ્યો છે. ફ્લિપકાર્ટની લોકપ્રિય ઇલેક્ટ્રોનિક્સ અને કન્ઝ્યુમર ગુડ્સ બ્રાન્ડ 'MARQ' ના ટ્રેડમાર્ક ઉલ્લંઘન મામલે સુપ્રીમ કોર્ટે કંપનીને આ ચિહ્ન વાપરવા પર પ્રતિબંધ મૂકતા નીચલી અદાલતોના આદેશમાં દખલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જો કે, કંપનીને અબજો રૂપિયાના નુકસાનથી બચાવવા અને ગોડાઉનમાં પડેલો હાલનો તમામ સ્ટોક વેચીને ખાલી કરવા માટે કોર્ટે માત્ર ૮ અઠવાડિયા (આશરે બે મહિના) નો આખરી સમય આપ્યો છે.
અગાઉ દિલ્હી હાઇકોર્ટે ૧૦ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ ફ્લિપકાર્ટની અપીલને સદંતર ફગાવી દીધી હતી અને 'માર્ક એન્ટરપ્રાઇઝ' (Marc Enterprises) ની તરફેણમાં અપાયેલા મનાઈ હુકમને યોગ્ય ઠેરવ્યો હતો. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ અવલોકન કર્યું હતું કે "MARC" અને "MARQ" બંને શબ્દો બોલવામાં (ધ્વન્યાત્મક), લખાણમાં (માળખાકીય) અને જોવામાં બિલકુલ સમાન છે, જેના કારણે બજારમાં ગ્રાહકો ભારે મૂંઝવણમાં મુકાઈ શકે છે અને છેતરાઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે ફ્લિપકાર્ટની ખાસ રજા અરજી ફગાવી
ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બનેલી હાઈ-પ્રોફાઈલ બેન્ચે શુક્રવારે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, તે આ મામલે ટ્રાયલ કોર્ટ તેમજ દિલ્હી હાઇકોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશોમાં કોઈ ફેરફાર કરવા કે દખલ કરવા બિલકુલ ઇચ્છતી નથી. આ સાથે જ કોર્ટે ફ્લિપકાર્ટની વિશેષ રજા અરજી (SLP) ને રદ કરી દીધી હતી. જો કે, માનવતાવાદી અભિગમ અને વ્યાપારિક નુકસાનને ધ્યાનમાં રાખીને બેન્ચે આદેશ કર્યો કે, ફ્લિપકાર્ટ આગામી ૮ અઠવાડિયાની અંદર વાંધાજનક “MARQ” લોગો કે ચિહ્ન ધરાવતા પોતાના તમામ ઉત્પાદનોનું વેચાણ અને ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દે અને ત્યારબાદ ટ્રાયલ કોર્ટ સમક્ષ આ આદેશના પાલનનો સત્તાવાર અહેવાલ રજૂ કરે.
૧૯૮૦ થી ચાલી રહી છે અસલી 'MARC' બ્રાન્ડ
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે ફ્લિપકાર્ટે પોતાના પ્લેટફોર્મ પર બજેટ ફ્રેન્ડલી ઇલેક્ટ્રોનિક ઉપકરણો, ટીવી અને એસી વગેરે વેચવા માટે “MARQ” બ્રાન્ડ લોન્ચ કરી હતી. આ લોન્ચિંગ સામે 'માર્ક એન્ટરપ્રાઇઝિસ પ્રા. લિ.' એ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કંપનીએ દાવો કર્યો હતો કે તેઓ વર્ષ ૧૯૮૦ ના દાયકાથી ઇલેક્ટ્રિકલ સાધનો અને માલસામાન માટે "MARC" ટ્રેડમાર્કનો ઉપયોગ કરી રહ્યા છે અને તેઓ આ નામના અગાઉના સત્તાવાર વપરાશકર્તા છે. ફ્લિપકાર્ટ તેના નામનો ઉપયોગ કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે.
વકીલોની મસમોટી ફોજ પણ ફ્લિપકાર્ટને ન બચાવી શકી:
આ હાઈ-પ્રોફાઈલ કેસમાં ફ્લિપકાર્ટ વતી દેશના સૌથી મોંઘા અને દિગ્ગજ વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી અને રાજશેખર રાવ સહિત કરંજવાલા એન્ડ કંપનીના વકીલોની આખી ફોજ મેદાને ઉતરી હતી. જ્યારે સામે પક્ષે માર્ક એન્ટરપ્રાઇઝ વતી વરિષ્ઠ વકીલ અખિલ સિબ્બલે ધારદાર દલીલો કરી હતી. કોર્ટે અંતે સ્વીકાર્યું કે ફ્લિપકાર્ટ ભલે ગમે તેટલી મોટી કંપની હોય, પરંતુ તે કોઈ સ્થાનિક બ્રાન્ડના જૂના ટ્રેડમાર્ક હકો પર તરાપ મારી શકે નહીં. હવે ફ્લિપકાર્ટે પોતાની આ બ્રાન્ડનું નામ કાયમ માટે બદલવું પડશે અથવા તેને બંધ કરવી પડશે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
