<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કાયદા સામેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં વિભાજિત ચુકાદો: બેન્ચે કેસ CJI ની બંધારણીય પીઠ સમક્ષ મોકલ્યો!

સીજેઆઈ (CJI) ને સમિતિમાંથી બાકાત રાખતા ડિસેમ્બર ૨૦૨૩ ના કાયદાને પડકારતી અરજીઓ પર જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માનો મિશ્ર મત; ભારતમાં ન્યાયાધીશોની નિમણૂક પર પણ મહત્ત્વપૂર્ણ ટિપ્પણી.

નવી દિલ્હી : ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને અન્ય ચૂંટણી કમિશનરો (ECs) ની નિમણૂક પ્રક્રિયાને નિયંત્રિત કરતા કેન્દ્ર સરકારના કાયદાની કાનૂની માન્યતા પર સુપ્રીમ કોર્ટે બુધવારે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને વિભાજિત ચુકાદો (Split Verdict) આપ્યો છે. સુપ્રીમ કોર્ટની બે જજોની પીઠ આ કેસને બંધારણીય બેંચને સોંપવો કે નહીં તે અંગે બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી, જેના કારણે હવે આ મામલો અંતિમ નિર્ણય માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ની સમક્ષ રજૂ કરવામાં આવશે.


જજોમાં અસંમતિ: એક જજે ના પાડી, બીજાએ ટેકો આપ્યો
ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માની બનેલી બેન્ચે આ કેસમાં અલગ-અલગ અભિપ્રાય રજૂ કર્યા હતા:


•    જસ્ટિસ દીપાંકર દત્તા: તેમણે આ મામલાને બંધારણીય બેંચને સોંપવાની અરજી ફગાવી દીધી હતી અને વિલંબ ટાળવા પર ભાર મૂક્યો હતો.

•    જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા: તેમણે જસ્ટિસ દત્તાના મત સામે અસંમતિ દર્શાવી આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને બંધારણીય બેંચ સમક્ષ મોકલવાનું સમર્થન કર્યું હતું.

અંતે, કોઈ સર્વસંમતિ ન સધાતા, કેસમાં વધુ બિનજરૂરી વિલંબ ન થાય તે હેતુથી આ વિવાદને સીધો CJI સમક્ષ મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી તેઓ યોગ્ય સંખ્યામાં જજો ધરાવતી બંધારણીય પીઠની રચના કરી શકે.


શું છે આ સમગ્ર કાનૂની વિવાદ અને કાયદો?
માર્ચ ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપીને નિર્દેશ આપ્યો હતો કે દેશમાં ચૂંટણી કમિશનરોની નિમણૂક વડાપ્રધાન, વિપક્ષના નેતા (LoP) અને ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ની ત્રણ સભ્યોની બહુપક્ષીય સમિતિ દ્વારા જ થશે.

પરંતુ, ડિસેમ્બર ૨૦૨૩ માં કેન્દ્ર સરકારે સંસદમાં એક નવો કાયદો પસાર કર્યો, જેમાંથી CJI ને બાકાત રાખીને તેમના સ્થાને કેન્દ્રીય કેબિનેટ મંત્રીને સ્થાન આપવામાં આવ્યું. પરિણામે, નિમણૂક સમિતિમાં સરકારની બહુમતી થઈ ગઈ. કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) સહિતના અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરીને આક્ષેપ કર્યો છે કે CJI ને હટાવવાથી ચૂંટણી પંચની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા નબળી પડી રહી છે.


'ન્યાયાધીશો ન્યાયાધીશોની નિમણૂક કરે છે તે એક ભ્રમણા'
સુનાવણી દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તાએ દેશમાં ન્યાયાધીશોની નિમણૂક પ્રક્રિયા (કોલેજિયમ) અંગે ફેલાતી અફવાઓ પર પણ ચોંકાવનારી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "એક સામાન્ય ગેરસમજને દૂર કરવી અત્યંત જરૂરી છે. 'ન્યાયાધીશો જ ન્યાયાધીશોની નિમણૂક કરે છે' તે દાવો એક મોટો ભ્રમ અને દંતકથા છે, જે અમુક ચોક્કસ સ્વાર્થી હિતો અને પ્રોપેગંડા દ્વારા ફેલાવવામાં આવે છે." તેમણે ઉમેર્યું કે બંધારણીય માળખું એ વાત પર આધારિત છે કે દેશ વ્યક્તિઓ દ્વારા નહીં પરંતુ કાયદા દ્વારા સંચાલિત થાય છે.

(6:12 PM IST)