તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
શાળાઓમાં બંધારણની પ્રસ્તાવનાના દૈનિક પાઠની માંગ કરતી PIL સુપ્રીમ કોર્ટે ફગાવી
પ્રસ્તાવના પહેલાથી જ છઠ્ઠા ધોરણથી અભ્યાસક્રમનો ભાગ: જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે દૈનિક પઠન માટે રાષ્ટ્રીય નીતિ બનાવવાનો ઇનકાર કર્યો

નવી દિલ્હી: દેશની તમામ શાળાઓમાં સવારની પ્રાર્થના સભા (મોર્નિંગ એસેમ્બલી) દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય બંધારણની પ્રસ્તાવના નું દૈનિક સામૂહિક પઠન ફરજિયાત કરવા માટે રાષ્ટ્રીય નીતિ ઘડવાની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) ને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે આ અરજી પર વિચાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરતા નોંધ્યું હતું કે બંધારણની પ્રસ્તાવના અગાઉથી જ શાળાના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે અને ધોરણ-૬ થી જ વિદ્યાર્થીઓને તે શીખવવામાં આવે છે.
દિલ્હી યુનિવર્સિટીની રાજધાની કોલેજના સહાયક પ્રોફેસર ધીરજ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય, CBSE અને તમામ રાજ્યોને નિર્દેશ આપવાની માંગ કરાઈ હતી. અરજદારે દલીલ કરી હતી કે રાષ્ટ્રગીતની જેમ દરરોજ સવારે પ્રસ્તાવનાનું પઠન કરવાથી બાળકોમાં નાનપણથી જ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા બંધારણીય મૂલ્યો પ્રત્યે જાગૃતિ કેળવાશે. અરજીમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાન જેવા રાજ્યોની પહેલ તથા મે ૨૦૨૫ ના CBSE ના પરિપત્રનો હવાલો આપવામાં આવ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ વિષય પહેલાથી જ શિક્ષણ પ્રણાલીમાં આવરી લેવાયેલો હોવાથી અલગથી રાષ્ટ્રીય નીતિ બનાવવાની કે આદેશ આપવાની કોઈ આવશ્યકતા નથી.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
