<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

અભિનેત્રી ત્વિષા શર્મા રહસ્યમય મોત મામલે દેશની સર્વોચ્ચ અદાલત એક્શનમાં: સુપ્રીમ કોર્ટે લીધી સુઓમોટો નોંધ, CJI સૂર્યકાંતની આગેવાની હેઠળની સ્પેશિયલ બેન્ચ ૨૫ મેના રોજ કરશે હાઈ-વોલ્ટેજ સુનાવણી!

લગ્નના મંડપમાં જ યુવતીના અકુદરતી મોત પાછળ 'સંસ્થાકીય પૂર્વગ્રહ' અને તપાસમાં ગંભીર ગેરરીતિઓની આશંકા; સાસરી પક્ષના વગદાર નિવૃત્ત જજ અને વકીલ પતિ સામે આંગળી ચિંધાતા મામલો ગરમાયો

નવી દિલ્હી: દેશભરમાં ભારે ચર્ચા જગાવનાર મોડેલ અને જાણીતી અભિનેત્રી ત્વિષા શર્મા (Tvisha Sharma) ના રહસ્યમય અને ચકચારી મૃત્યુ કેસમાં એક બહુ મોટો વળાંક આવ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ મામલે પોતે જ સુઓમોટો (Suo Motu) નોંધ લીધી છે. આગામી ૨૫મી મે ના રોજ દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) ની આગેવાની હેઠળની સ્પેશિયલ બેન્ચ આ કેસ પર સુનાવણી હાથ ધરશે. લગ્નસ્થળ જેવા પવિત્ર સ્થાને એક યુવાન અભિનેત્રીના અકુદરતી મોત અને ત્યારબાદ તપાસમાં થયેલી કથિત બેદરકારીને પગલે સુપ્રીમ કોર્ટની આ સીધી દખલગીરીથી કાનૂની અને રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

સર્વોચ્ચ અદાલતના સત્તાવાર પત્રક મુજબ, ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વિપુલ એમ. પંચોલીની બનેલી ત્રણ સભ્યોની હાઈ-પાવર બેન્ચ આ સંવેદનશીલ કેસની ઇન્ક્વાયરી કરશે. કોર્ટમાં આ કેસને "કથિત સંસ્થાકીય પૂર્વગ્રહ અને તેના લગ્નસ્થળમાં એક યુવાન છોકરીના અકુદરતી મૃત્યુમાં પ્રક્રિયાગત વિસંગતતાઓ" ના અત્યંત ગંભીર શીર્ષક હેઠળ લિસ્ટ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે સ્થાનિક પોલીસ અને પ્રશાસનની ભૂમિકા પર પણ સુપ્રીમ કોર્ટની કડક નજર છે.

લગ્નના દિવસે જ લાશ લટકતી મળી; વગદાર સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો:

ઉલ્લેખનીય છે કે, ગત ૧૨ મે ના રોજ મધ્યપ્રદેશના ભોપાલ શહેરના પોશ ગણાતા કટારા હિલ્સ વિસ્તારમાં આવેલા એક વૈભવી મેરેજ વેન્યુ (લગ્નસ્થળ) પર ૩૩ વર્ષીય ત્વિષા શર્માની લાશ શંકાસ્પદ હાલતમાં લટકતી મળી આવી હતી. જે દિવસે લગ્નની શરણાઈઓ વાગવાની હતી, તે જ દિવસે ત્વિષાના મોતના સમાચારથી સનાટો વ્યાપી ગયો હતો. ત્વિષાના પરિવારે આક્ષેપ કર્યો છે કે આ આત્મહત્યા નથી પરંતુ આયોજનબદ્ધ હત્યા છે. પરિવારનો આરોપ છે કે ત્વિષાના સાસરિયાઓ અત્યંત વગદાર હોવાથી તેઓએ સ્થાનિક તપાસને આડે પાટા ચડાવવાનો, પુરાવાનો નાશ કરવાનો અને કેસને દબાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે.

નિવૃત્ત જજ સાસુ અને વકીલ પતિ શંકાના દાયરામાં

આ કેસ એટલા માટે વધુ ગંભીર અને જટિલ બન્યો છે કારણ કે કાયદાના રક્ષકો જ અહીં કથિત રીતે કાયદાના ભક્ષક બન્યા હોવાના આક્ષેપ છે. ત્વિષાના પતિ સમર્થ સિંહ પેશાથી હાઈકોર્ટના જાણીતા વકીલ છે, જ્યારે તેના સાસુ ગિરિબાલા સિંહ નિવૃત્ત ન્યાયાધીશ (Retired Judge) રહી ચૂક્યા છે. પૂર્વ જજ અને વકીલના પરિવાર સામે કેસ હોવાથી સ્થાનિક કક્ષાએ તપાસમાં મોટી ગોલમાલ થઈ હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. પીડિત પરિવારની ન્યાય માટેની પોકાર છેક દિલ્હી સુધી પહોંચતા હવે સુપ્રીમ કોર્ટે મોરચો સંભાળ્યો છે. ૨૫ મે ના રોજ થનારી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ ભોપાલ પોલીસ અને તપાસ એજન્સીઓ પાસેથી આખા કેસનો ચાર્જશીટ અને સ્ટેટસ રિપોર્ટ માંગી શકે છે, જેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.

(10:23 PM IST)