તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
સ્થાવર મિલકતોની વેચાણ પ્રક્રિયા અને રજિસ્ટર્ડ દસ્તાવેજો અંગે દેશની સર્વોચ્ચ અદાલતનો અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો: બાકી રકમ ન ચુકવાઈ હોય તો પણ રજિસ્ટર્ડ સેલ ડીડ કાયદેસર ગણાશે, વેચનાર વ્યક્તિ દસ્તાવેજ રદ્દ કરાવી શકશે નહીં
જો બંને પક્ષકારો વચ્ચે મિલકતની માલિકી તબદીલ કરવાનો સ્પષ્ટ ઈરાદો હોય તો દસ્તાવેજની માન્યતા અકબંધ રહે છે; કિંમતની બાકી નીકળતી રકમ વસૂલવા માટે વેચનાર મૂળ માલિક કાનૂની દાવો દાખલ કરી શકે છે પરંતુ દસ્તાવેજ ફોક નહીં થાય

નવી દિલ્હી : દેશમાં સ્થાવર મિલકતોની ખરીદ-વેચાણ પ્રક્રિયા અને રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજોની કાનૂની માન્યતાને લઈને સર્વોચ્ચ અદાલતે એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વના ચુકાદામાં સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે જો ખરીદનાર અને વેચનાર બંને પક્ષકારોનો ઈરાદો મિલકતની માલિકીનો હસ્તક અસલી રીતે તબદીલ કરવાનો રહ્યો હોય, તો અવેજ (વેચાણ કિંમત)ની પૂરેપૂરી રકમ ન ચૂકવાઈ હોવા છતાં પણ એકવાર સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલું 'સેલ ડીડ' (વેચાણ દસ્તાવેજ) સંપૂર્ણપણે કાયદેસર અને માન્ય જ રહેશે. પૂરેપૂરા નાણાં નથી મળ્યા તેવા માત્ર એક કારણસર રજિસ્ટર્ડ સેલ ડીડને રદ્દબાતલ કે અમાન્ય જાહેર કરી શકાય નહીં.
સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ (મિલકત હસ્તાંતરણ કાયદા)ની વિવિધ જોગવાઈઓ અને કાનૂની સિદ્ધાંતોનું વિશ્લેષણ કરતા સ્પષ્ટ કર્યું હતું કે એકવાર ખરીદનારના નામે વિધિવત રજિસ્ટર્ડ સેલ ડીડ થઈ જાય એટલે મિલકતનું માલિકીપદ કાયદાકીય રીતે ખરીદનારના પક્ષમાં ટ્રાન્સફર થઈ જાય છે. જો ખરીદદારે વેચાણ કિંમતની બાકીની રકમ ચૂકવી ન હોય અથવા ચેક બાઉન્સ થયો હોય, તો વેચનાર (મૂળ માલિક) પાસે બાકી નીકળતી રકમ વસૂલ કરવા માટે દીવાની અદાલતમાં વસૂલાતનો દાવો (રેકવરી સૂટ) કરવાનો કાનૂની અધિકાર રહે છે, પરંતુ તે દસ્તાવેજને રદ્દ કરવાની કે રજિસ્ટ્રેશન ફોક કરવાની માંગણી કરી શકતો નથી.
અદાલતે અવલોકન કર્યું હતું કે ઘણીવાર મિલકતના સોદાઓમાં વેચાણ દસ્તાવેજ બનાવતી વખતે અમુક રકમ ભવિષ્યમાં ચૂકવવાની શરતે કબજો અને માલિકી સોંપવામાં આવતા હોય છે. આવી સ્થિતિમાં કાયદાકીય તારણ એ જ નીકળે છે કે રજિસ્ટ્રેશન પૂર્ણ થતાંની સાથે જ સોદો આખરી સ્વરૂપ ધારણ કરી લે છે. જો પાછળથી નાણાકીય લેવડદેવડમાં વિવાદ થાય, તો મૂળ માલિક કાયદાકીય માર્ગ અપનાવીને પોતાની બાકી લેણી રકમ અને વ્યાજ વસૂલ કરી શકે છે, પરંતુ તે મિલકતનો માલિકી હક પરત મેળવવા કે રજિસ્ટ્રેશન કેન્સલ કરાવવા માટે હકદાર બનતો નથી. સુપ્રીમ કોર્ટના આ નિર્દેશથી દેશભરમાં મિલકતોના ખરીદ-વેચાણના વિવાદો અને રજિસ્ટર્ડ દસ્તાવેજોની કાનૂની મજબૂતી અંગે પ્રવર્તતી અનિશ્ચિતતા દૂર થશે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
