News of Monday, 28th September 2026
દેશની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની ખાલી પડેલી જગ્યાઓ પૂરવા સુપ્રીમ કોર્ટ કોલેજિયમનો મોટો નિર્ણય : ગુજરાત સહિત દેશની ત્રણ વડી અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિઓને સુપ્રીમ કોર્ટના જજ તરીકે પ્રમોશન આપવા ભલામણ
દેશના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ગુજરાત વડી અદાલતના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અપરેશ કુમાર સિંહને દેશની સર્વોચ્ચ અદાલતમાં નિમવાની કરવાની સત્તાવાર દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલાઈ

નવી દિલ્હી: ભારતીય ન્યાયતંત્રના ઈતિહાસમાં અને દેશની સર્વોચ્ચ અદાલતમાં જજ તરીકેની ખાલી જગ્યાઓ ભરવાની દિશામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા દેશની ત્રણ વિવિધ વડી અદાલતો (હાઈકોર્ટ)ના મુખ્ય ન્યાયમૂર્તિઓને પ્રમોશન આપીને દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નીમવા માટેની સત્તાવાર ભલામણ કેન્દ્ર સરકારને કરવામાં આવી છે. ૨૮ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
કોલેજિયમની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર, જે ત્રણ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓના નામની સુપ્રીમ કોર્ટના જજ તરીકે પદોન્નતિ માટે ભલામણ કરવામાં આવી છે તેમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય તેમજ તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અપરેશ કુમાર સિંહનો સમાવેશ થાય છે.
સર્વોચ્ચ અદાલત દ્વારા જારી કરવામાં આવેલા અધિકૃત નિવેદનમાં જણાવાયું છે કે, "સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ૨૮ સપ્ટેમ્બરે યોજાયેલી ખાસ બેઠકમાં દેશની અલગ-અલગ હાઈકોર્ટના આ ત્રણ વરિષ્ઠ ચીફ જસ્ટિસને સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કરવાની ભલામણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે."
ન્યાયતંત્રના વરિષ્ઠ સભ્યોના અનુભવ, તેમની સેવાઓની લંબાઈ, ભૌગોલિક પ્રતિનિધિત્વ અને ન્યાયિક શ્રેષ્ઠતાને ધ્યાનમાં રાખીને કોલેજિયમ દ્વારા આ નામો પસંદ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આ દરખાસ્તને આખરી મંજૂરી આપ્યા બાદ અને રાષ્ટ્રપતિ દ્વારા તેની વહીવટી મંજૂરીની મહોર મારવામાં આવ્યા પછી આ ત્રણેય ન્યાયમૂર્તિઓ સુપ્રીમ કોર્ટના જજ તરીકેના હોદ્દાના શપથ ગ્રહણ કરશે. આ ભલામણથી સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની ક્ષમતા વધુ મજબૂત બનશે અને પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલમાં મદદ મળશે.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
