<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

ડ્રગ્સના દૂષણ સામે સુપરસ્ટાર સીએમનો 'સિગ્નલ ફાઈટ': તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે સ્પોર્ટ્સ લુકમાં મેરેથોન ગજાવી, માત્ર 30 મિનિટમાં દોડી નાખ્યું 6 કિમીનું અંતર!

માત્ર લીલી ઝંડી આપીને સંતોષ ન માન્યો: મરીના બીચ પર હજારો યુવાનો સાથે ખભેખભા મિલાવીને દોડનારા તમિલનાડુના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સી. જોસેફ વિજય, વિપક્ષી નેતાઓએ પણ કર્યા મુક્તકંઠે વખાણ

ચેન્નાઈ, તા.26: આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિત્તે તમિલનાડુના પાટનગર ચેન્નાઈમાં એક નવો જ ઈતિહાસ રચાયો છે. રાજ્યમાં નશાના કાળા કારોબાર અને ડ્રગ્સના દૂષણ સામે યુવાનોને જાગૃત કરવા માટે યોજાયેલી મેરેથોનમાં ખુદ મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે ભાગ લઈને સહુને ચોંકાવી દીધા હતા. સામાન્ય રીતે રાજકીય નેતાઓ આવા કાર્યક્રમોમાં માત્ર સ્ટેજ પર આવીને કે લીલી ઝંડી બતાવીને ઔપચારિકતા પૂરી કરતા હોય છે, પરંતુ સીએમ વિજયે આ પરંપરાને તોડીને પોતે ટ્રેક સૂટ પહેરી મેદાનમાં ઉતરી પડ્યા હતા અને હજારો નાગરિકો સાથે આખી દોડ પૂરી કરી હતી.
"દોડ શરૂ કરો, ડ્રગ્સ બંધ કરો": મરીના બીચ પર સ્પીડ રન
"દોડ શરૂ કરો, ડ્રગ્સ બંધ કરો" (સ્ટાર્ટ ધ રન, સ્ટોપ ધ ડ્રગ્સ) થીમ હેઠળ આયોજિત આ મેરેથોન ચેન્નાઈના પ્રખ્યાત મરીના બીચ રોડ પર યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજયે કોઈ વ્યાવસાયિક એથ્લેટની માફક અદભુત ફિટનેસ બતાવીને માત્ર 30 મિનિટમાં 6 કિલોમીટરનું લાંબુ અંતર કાપ્યું હતું. સામાજિક જાગૃતિના આટલા મોટા હેતુ માટે સામાન્ય જનતા અને યુવાનો સાથે રસ્તા પર આટલી લાંબી દોડ લગાવનારા તેઓ તમિલનાડુના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. દોડની શરૂઆત કરતા પહેલા સીએમ વિજયે ઉપસ્થિત હજારો યુવાનોને ડ્રગ્સ વિરોધી પ્રતિજ્ઞા લેવડાવી હતી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ, ફિટનેસના ફેન્સ થયા દીવાના
સ્પોર્ટ્સ શૂઝ અને રનિંગ ગીયરમાં સીએમ વિજય જે સહજતાથી યુવાનોની વચ્ચે દોડી રહ્યા હતા અને સહભાગીઓનો ઉત્સાહ વધારી રહ્યા હતા, તેના વીડિયો ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થયા છે. લોકો તેમની કડક શિસ્ત, અદભુત ફિટનેસ અને જનતા સાથે સીધા કનેક્ટ થવાની સક્રિય નેતૃત્વ શૈલીના જોરદાર વખાણ કરી રહ્યા છે.
ભાજપ નેતાએ પણ રાજકારણથી ઉપર ઉઠીને આપી શાબાશી
મુખ્યમંત્રી વિજયની આ સરાહનીય પહેલની પ્રશંસા કરવામાં વિપક્ષી નેતાઓ પણ પાછળ રહ્યા નથી. પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા તમિલિસાઈ સુંદરરાજને ઇન્સ્ટાગ્રામ પર સીએમની દોડતી તસવીર શેર કરતા લખ્યું કે, "આજે મોટી સંખ્યામાં યુવાનો સાથે ડ્રગ વિરોધી મેરેથોનમાં મુખ્યમંત્રી વિજયને દોડતા જોઈને અત્યંત આનંદ અને ગર્વ થયો. જ્યારે જનપ્રતિનિધિઓ પોતે ચાલે છે, દોડે છે અને જનતા સાથે ઊભા રહે છે, ત્યારે જ સાચી જાગૃતિ દરેક ઘર સુધી પહોંચે છે. ડ્રગ્સ સામેની આ લડાઈ રાજકારણથી પર છે, ચાલો આપણે સૌ સાથે મળીને તમિલનાડુને નશામુક્ત બનાવીએ."

(4:20 PM IST)