<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

મુંબઈના મહારાજા ‘લાલબાગચા રાજા’ ૨૦૨૬નો અલૌકિક ‘ફર્સ્ટ લુક’ આજે સાંજે થશે જાહેર: બાપ્પાની પ્રથમ ઝલક મેળવવા ભક્તોમાં ભારે ઉત્સાહ!

પરલના લાલબાગ માર્કેટ ખાતે સાંજે ૭ વાગ્યે ભવ્ય અનાવરણ; મુંબઈના આ આસ્થાના કેન્દ્ર સુધી પહોંચવા માટે મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યા સરળ રૂટ અને ટ્રાન્સપોર્ટ માર્ગદર્શિકા.

મુંબઈ, તા.૧૧: દેશભરમાં ભારે આસ્થા અને ધામધૂમથી ઉજવાતા ગણેશોત્સવની તૈયારીઓ હવે તેના ચરમસીમા પર પહોંચી ચૂકી છે. મુંબઈની શાન સમાન અને કરોડો ભક્તોની આસ્થાના પ્રતિક ગણાતા 'લાલબાગચા રાજા ૨૦૨૬' ની પ્રથમ ઝલક જોવા માટેની આતુરતાનો આજે અંત આવવા જઈ રહ્યો છે. આજે ૧૧ સપ્ટેમ્બરે સાંજે ૭ વાગ્યે લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા પરેલ સ્થિત લાલબાગ માર્કેટ મંડળ ખાતે બાપ્પાના ફર્સ્ટ લુકનું ભવ્ય જાહેર અનાવરણ કરવામાં આવશે. મુખ્ય અનાવરણ પહેલાં મીડિયાકર્મીઓ માટે વિશેષ ફોટો સેશનનું આયોજન કરાયું છે, જેમાંથી બાપ્પાનું દિવ્ય સ્વરૂપ દુનિયા સમક્ષ આવશે.

આ વર્ષે લાલબાગચા રાજા મંડળ તેનો ૯૩મો ભવ્ય ગણેશોત્સવ મનાવી રહ્યું છે, જે આગામી ૧૪ સપ્ટેમ્બરથી ૨૫ સપ્ટેમ્બર સુધી ચાલશે. મુંબઈ અને દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં આવનારા ભક્તો માટે આ પંડાલ સુધી પહોંચવું સરળ બને તે માટે વિગતવાર રૂટ જાહેર કરાયા છે. જો તમે સેન્ટ્રલ રેલવે દ્વારા આવતા હોવ, તો કરી રોડ અથવા ચિંચપોકલી સ્ટેશને ઉતરીને માંડ ૫ થી ૧૦ મિનિટ ચાલીને પંડાલ સુધી પહોંચી શકાય છે. જ્યારે વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓ લોઅર પરેલ સ્ટેશને ઉતરીને ટૂંકી ટેક્સી કે ઓટો દ્વારા ત્યાં પહોંચી શકે છે. આ ઉપરાંત, દાદર સ્ટેશન (પૂર્વ) થી ભારત માતા સિગ્નલ તરફ જતી શેરિંગ ટેક્સીનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

તહેવારના આ પવિત્ર દિવસોમાં લાખો ભક્તોની ભીડ ઉમટવાની હોવાથી પંડાલ આસપાસ ભારે ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યા સર્જાઈ શકે છે. તેથી, ખાનગી વાહનોને બદલે મુંબઈની લોકલ ટ્રેન અથવા સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરવો વધુ હિતાવહ રહેશે. મુંબઈની આ ધરતી પર બાપ્પાના આગમનની આ અલૌકિક ક્ષણ દરેક ભક્તના હૃદયમાં એક અદભુત દિવ્યતા અને ઉમંગ ભરી દેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

(4:09 PM IST)