<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

સનરાઇઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્યા મારન અને સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર ગ્રીસમાં લગ્નગ્રંથિથી જોડાયાં

શાહી લગ્નની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર જાહેર : રજનીકાંત સહિત ફિલ્મ અને રાજકારણની હસ્તીઓની હાજરી : ચેન્નઈમાં ૨૧ નવેમ્બરે ભવ્ય રિસેપ્શન

ચેન્નઈ  : આઈપીએલની સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમના સંચાલન સાથે સંકળાયેલી જાણીતી ઉદ્યોગપતિ કાવ્યા મારન અને દક્ષિણ ભારતીય ફિલ્મોના લોકપ્રિય સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર આજે ગ્રીસમાં ભવ્ય લગ્નસમારોહમાં લગ્નગ્રંથિથી જોડાયા છે. અનિરુદ્ધે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની પહેલી તસવીર જાહેર કરતાં ચાહકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. લગ્નમાં સુપરસ્ટાર રજનીકાંત સહિત ફિલ્મજગત, રાજકારણ અને ઉદ્યોગક્ષેત્રની જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. 

 

અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારનના લગ્નની છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચા ચાલી રહી હતી. આખરે આજે ૧૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બંનેના લગ્ન ગ્રીસમાં સંપન્ન થયા છે. લગ્નોત્સવની શરૂઆત ૧૦ નવેમ્બરે પરંપરાગત તમિલ વિધિ અનુસાર સગાઈથી થઈ હતી. ત્યારબાદ પરિવારજનો અને પસંદગીના આમંત્રિતોની હાજરીમાં લગ્ન યોજાયા હતા. આ પ્રસંગે રજનીકાંત સાથે તેમનાં પત્ની લતા અને પુત્રી ઐશ્વર્યા તથા તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન અને ઉદયનિધિ સ્ટાલિન ગ્રીસ પહોંચ્યા હતા. 

 

લગ્નની તસવીરમાં અનિરુદ્ધ આઈવરી રંગના આકર્ષક પરંપરાગત પોશાકમાં જ્યારે કાવ્યા ગુલાબી રંગના સુંદર ભરતકામવાળા લહેંગામાં જોવા મળે છે. બંને હાથમાં હાથ પકડીને હસતાં જોવા મળે છે. આસપાસ સફેદ અને પીળાં ફૂલોની સજાવટ છે. અનિરુદ્ધે તસવીર સાથે જીવનભરના સાથનો ભાવ વ્યક્ત કરતી પ્રેમસભર નોંધ લખી છે. તસવીર સામે આવતાં સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ શરૂ થયો છે. 

 

કાવ્યા મારન દેશના જાણીતા ઉદ્યોગપતિ અને સન ગ્રૂપના ચેરમેન કલાનિધિ મારન તથા કાવેરી મારનની પુત્રી છે. તેઓ સન ટીવી નેટવર્કમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સનરાઇઝર્સ હૈદરાબાદનાં મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે જવાબદારી સંભાળે છે. આઈપીએલની મેચો અને ખેલાડીઓની હરાજી દરમિયાન તેઓ સતત ચર્ચામાં રહે છે. બીજી તરફ અનિરુદ્ધે વર્ષ ૨૦૧૨માં 'વ્હાય ધિસ કોલાવેરી ડી' ગીતથી જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. ત્યારબાદ 'જેલર', 'જવાન' સહિત અનેક જાણીતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેઓ રજનીકાંતના ભાણેજ પણ છે. 

 

લગ્ન બાદ આગામી ૨૧ નવેમ્બરે ચેન્નઈમાં ભવ્ય સત્કાર સમારોહ યોજાશે. આ અંગે તેલંગાણાના મુખ્યમંત્રી કાર્યાલયે અગાઉ સત્તાવાર પુષ્ટિ કરી હતી. કાવ્યાનાં માતા-પિતાએ મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીની મુલાકાત લઈને તેમને આમંત્રણ આપ્યું હતું. સત્કાર સમારોહમાં દેશની ફિલ્મ, રાજકીય, ક્રિકેટ અને ઉદ્યોગજગતની અનેક જાણીતી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. 

 

લગ્નની તસવીર જાહેર થઈ છે, પરંતુ સોશિયલ મીડિયા પર અગાઉ વાઇરલ થયેલો અનિરુદ્ધ દ્વારા કાવ્યાને હીરાની વીંટી પહેરાવવાનો વીડિયો કૃત્રિમ બુદ્ધિમત્તાથી બનાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. 

(8:50 PM IST)