<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

સુનેત્રા પવારે રચ્‍યો નવો ઇતિહાસઃ ૨,૧૮,૯૩૦ મતોથી જીત મેળવીઃ દેશમાં સૌથી વધુ મતોના માર્જિનથી જીત મેળવવાનો બનાવ્‍યો નવો વિક્રમ

પેટાચૂંટણીમાં અજિત પવાર અને ભાજપના નેતાઓનો રેકોર્ડ તોડીને મેળવી મોટી જીત

મુંબઈ/બારામતી તા.૫: નાયબ મુખ્‍ય પ્રધાન અને અજિત પવાર જૂથના ઉમેદવાર સુનેત્રા પવારે બારામતી પેટાચૂંટણીમાં એક રેકોર્ડ બનાવ્‍યો છે. તેમણે ૨,૧૮,૯૩૦ મતોથી જીત મેળવી છે, જે દેશના વિધાનસભા ચૂંટણીના ઇતિહાસમાં સૌથી વધુ મતોના માર્જિનનો રેકોર્ડ છે. તેઓ સૌથી વધુ લીડ સાથે વિજયી બન્‍યા છે.

આ પહેલા મહારાષ્ટ્રમાં સૌથી વધુ મતોના માર્જિનનો રેકોર્ડ સ્‍વર્ગસ્‍થ નાયબ મુખ્‍ય પ્રધાન અજિત પવારના નામે હતો. તેમણે ૨૦૧૯માં ૧,૬૫,૨૬૫ મતોના માર્જિનથી જીત મેળવી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના ઇતિહાસમાં આ સૌથી મોટી જીત હતી.

જોકે, ૨૦૨૨ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં,  ભાજપના બે નેતાઓએ અજિતદાદાનો રેકોર્ડ તોડ્‍યો હતો. જેમાં સાહિબાબાદ, ગાઝિયાબાદથી ભાજપના ધારાસભ્‍ય સુનીલ કુમાર શર્મા અને નોઈડાથી ભાજપના ધારાસભ્‍ય પંકજ સિહનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં સુનીલ કુમાર શર્માએ સમાજવાદી પાર્ટીના અમરપાલ શર્માને ૨,૧૪,૮૩૫ મતોથી હરાવ્‍યા હતા. ભારતમાં વિધાનસભા ચૂંટણીમાં આ સૌથી મોટી લીડ હતી.

તે પછી પંકજ સિહે તે જ ચૂંટણીમાં અજિત પવારનો રેકોર્ડ  તોડ્‍યો. તેમનો વિજય માર્જિન ૧, ૮૧,૦૦૦ હતો. હવે, ૪ વર્ષ પછી, સુનેત્રા પવારે બદલો લીધો છે. તેમણે આ બંને નેતાઓને પાછળ છોડી દીધા છે અને દેશમાં સૌથી વધુ લીડ મેળવવાનો રેકોર્ડ બનાવ્‍યો છે. આ ચૂંટણીમાં, સુનેત્રા પવારનો વિરોધ કરી રહેલા અન્‍ય ૨૨ ઉમેદવારોને કુલ માત્ર ૪,૮૩૭ મત મળ્‍યા છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસનાં ઉમેદવાર સુનેત્રા પવાર સામે ચૂંટણી મેદાનમાં ઉતરેલા અંદાજે ૨૨ ઉમેદવારોની મુશ્‍કેલીઓ વધી ગઈ છે. પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી રહી છે કે, સંબંધિત ઉમેદવારોએ ચૂંટણી પંચ પાસે રજૂ કરેલા નામાંકન ફોર્મ પર સૂચકો અને અનુમોદકોની સહીઓ બોગસ છે.

(10:11 AM IST)