<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સ્વાત ઘાટીમાં આત્મઘાતી વિસ્ફોટ: 7 લોકોના મોત:20 લોકો ઘાયલ

સ્થાનિક શાંતિ રેલીને નિશાન બનાવીને કરાયેલા આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા કડક કરાઈ .

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં રવિવાર, 2 ઓગસ્ટ 2026 ની સાંજે એક હૃદયદ્રાવક આતંકવાદી હુમલો સામે આવ્યો છે. સુરક્ષા અહેવાલો અનુસાર, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સ્વાત ઘાટીના કાબલ શહેરમાં એક પોલીસ સ્ટેશનના મુખ્ય ગેટ પાસે થયેલા શંકાસ્પદ આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે અને 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે 

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આંતરિક સુરક્ષાની સ્થિતિ સતત કથળી રહી છે, જેનો ભોગ સામાન્ય નાગરિકો અને સુરક્ષાકર્મીઓ બની રહ્યા છે. ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, રવિવારની સાંજે આ વિસ્ફોટ એવા સમયે થયો જ્યારે સ્થાનિક લોકો અને યુવાનોનો એક મોટો સમૂહ પોતાની સુરક્ષાની માંગ સાથે પોલીસ સ્ટેશનની બહાર એકત્રિત થયો હતો.

 

આ હુમલાએ સમગ્ર સ્વાત ઘાટીના શાંતિપૂર્ણ વાતાવરણને હચમચાવી દીધું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ધમાકો એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ આસપાસના કેટલાક કિલોમીટર સુધી સંભળાયો હતો અને પોલીસ સ્ટેશનના પ્રવેશદ્વાર તેમજ નજીકના વાહનોના ફુરચેફુરચા ઉડી ગયા હતા.

 

સ્વાત જિલ્લાના સિટી પોલીસ ચીફ મોહમ્મદ ઉમરે મીડિયા પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પ્રારંભિક દ્રષ્ટિએ આ એક પ્લાન્ડ આત્મઘાતી હુમલો હોવાનું જણાય છે. વિસ્ફોટના સ્થળેથી તપાસકર્તાઓને એક છિન્ન-ભિન્ન થયેલું માનવ મસ્તક મળી આવ્યું છે, જે સંભવિતપણે આત્મઘાતી હુમલાખોરનું હોવાનું મનાય છે.

હુમલાખોરે ભીડનો લાભ લઈને પોલીસ સ્ટેશનની અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મુખ્ય ગેટ પર તૈનાત એલર્ટ પોલીસકર્મીઓએ તેને અટકાવતા જ તેણે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી હતી. જો કે,  આ અંગે તપાસ એજન્સીઓએ હજુ સુધી વિસ્ફોટના પ્રકારને લઈને અંતિમ સત્તાવાર પુષ્ટિ નથી કરી અને ફોરેન્સિક લેબની મદદથી વિસ્ફોટકોના સેમ્પલ મેળવી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.

હુમલાની તુરંત બાદ પાકિસ્તાની સેના અને અર્ધસૈનિક દળોએ સમગ્ર કાબલ શહેર અને પોલીસ સ્ટેશનની આસપાસના વિસ્તારોને કોર્ડન કરી લીધા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની પ્રખ્યાત 'સૈદૂ શરીફ ટીચિંગ હોસ્પિટલ' (Saidu Sharif Hospital Bomb Victims) ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ચારથી પાંચ લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું છે.

(10:41 PM IST)