News of Monday, 22nd June 2026
કોલકતામાં સુહરાવર્દી એવન્યુનું નામ બદલીને હવે ગોપાલ મુખર્જી રોડ રાખવામાં આવશે
મુખ્યમંત્રીએ કહ્યું કે પશ્ચિમ બંગાળ માટે હવે સમય આવી ગયો છે કે તે પોતાના સાચા નાયકોને યાદ કરે અને તેમનું સન્માન કરે.

કોલકાતામાં ગોપાલ પાઠાના સન્માનમાં એક રસ્તાને તેમના નામે નામકરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પાર્ક સર્કસ વિસ્તારમાં આવેલ સુહરાવર્દી એવન્યુનું નામ બદલીને હવે ગોપાલ મુખર્જી રોડ રાખવામાં આવશે. આ અંગે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) ના કમિશનર સ્મિતા પાંડે દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ આ નિર્ણય બદલ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે ગોપાલ ‘પાઠા’ના નામે રસ્તાનું નામકરણ કરીને એક ઐતિહાસિક ભૂલ સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ફેસબુક પર કરેલી એક પોસ્ટમાં શુભેન્દુ અધિકારીએ લખ્યું કે, “પશ્ચિમ બંગાળ દિવસના અવસર પર કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા આ ઐતિહાસિક નિર્ણયનું હું સ્વાગત કરું છું. સુહરાવર્દી એવન્યુનું નામ હવે ગોપાલ મુખર્જી રોડ રાખવામાં આવશે, જે એક જૂની ભૂલને સુધારવા તરફનું મહત્વપૂર્ણ પગલું છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “વર્ષો સુધી આપણા શહેરના એક મહત્વપૂર્ણ માર્ગનું નામ એવા વ્યક્તિના નામે હતું જેમણે સત્તાનો દુરુપયોગ કરીને નિર્દોષ નાગરિકોના હત્યાકાંડને પ્રોત્સાહન આપ્યું હતું. હવે આ માર્ગનું નામ ગોપાલ મુખર્જીના નામે રાખવામાં આવી રહ્યું છે, જેમણે હજારો નિર્દોષ લોકોના જીવ બચાવવા માટે રક્ષક તરીકે કાર્ય કર્યું હતું. આ નિર્ણય સાચા નાયકને યોગ્ય સન્માન આપીને ઐતિહાસિક ન્યાયની સ્થાપના કરશે.”
મુખ્યમંત્રીએ કહ્યું કે પશ્ચિમ બંગાળ માટે હવે સમય આવી ગયો છે કે તે પોતાના સાચા નાયકોને યાદ કરે અને તેમનું સન્માન કરે. તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનની સૂચનાની નકલ પણ શેર કરી હતી, જેમાં માર્ગના નામ બદલવાની જાહેરાત કરવામાં આવી હતી.
ભાજપ દ્વારા વારંવાર 1946ના ‘ગ્રેટ કલકત્તા કિલિંગ’નો ઉલ્લેખ કરવામાં આવે છે. ગોપાલ મુખર્જી (1913-2005) એ તે સમયે હિંદુઓ પર થતા હુમલાઓનો વિરોધ કર્યો હતો અને તેમની સુરક્ષા માટે આગળ આવ્યા હતા. આ કારણે તેઓ હિંદુ સમાજમાં લોકપ્રિય બન્યા હતા.
ગોપાલ મુખર્જીને ‘ગોપાલ પાઠા’ તરીકે ઓળખવામાં આવતા હતા, કારણ કે કોલેજ સ્ટ્રીટ વિસ્તારમાં તેમની બે મટનની દુકાનો હતી. બંગાળી ભાષામાં ‘પાઠા’નો અર્થ એક ખાસ પ્રકારના દેશી બકરાથી થાય છે, જેનું માંસ મટન તરીકે વેચવામાં આવે છે.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
