News of Thursday, 26th November 2026
શેરબજારમાં શુગર શેરોની મીઠાશ વધી: ખાંડ ઉત્પાદનમાં ઘટાડાના અંદાજ બાદ સુગર કંપનીઓના શેરમાં 15% સુધીનો તોફાની ઉછાળો
ધામપુર સુગર 15%, જ્યારે ઉત્તમ સુગર અને શ્રી રેણુકા સુગર્સ 12% ઉછળ્યા; ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ISMA) એ 2026-27 સીઝનમાં ખાંડનું ઉત્પાદન ઘટીને 265.21 લાખ ટન રહેવાની આગાહી કરતા પુરવઠામાં તંગીના સંકેત

મુંબઈ, તા. ૨૬:ભારતીય શેરબજારમાં ચાલી રહેલી તેજી વચ્ચે ગુરુવારે ખાસ કરીને શુગર (ખાંડ) ઇન્ડસ્ટ્રીના શેરોમાં જોરદાર ચમક જોવા મળી હતી. પ્રારંભિક ટ્રેડિંગ સત્ર દરમિયાન જ ખાંડ કંપનીઓના શેરમાં નાનોસૂનો નહીં, પરંતુ 15 ટકા સુધીનો તોફાની ઉછાળો નોંધાયો હતો, જેના કારણે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ તેજીમાં ધામપુર સુગર મિલ્સ, ઉત્તમ સુગર મિલ્સ, શ્રી રેણુકા સુગર્સ અને બજાજ હિન્દુસ્તાન સુગર જેવા શેરો સૌથી વધુ વધ્યા હતા. પ્રારંભિક સત્રમાં ધામપુર સુગર મિલ્સનો શેર 15% ઉછળીને NSE પર ₹182.85ની ઇન્ટ્રાડે ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ ઉપરાંત, ઉત્તમ સુગર મિલ્સ અને શ્રી રેણુકા સુગર્સના શેરમાં 12% જેટલો ઉછાળો આવ્યો હતો, જ્યારે બજાજ હિન્દુસ્તાન સુગર 9% વધીને ₹17.45 પર પહોંચ્યો હતો. તેવી જ રીતે, બલરામપુર ચીની મિલ્સ અને દાલમિયા ભારત સુગરના શેર પણ 7 ટકા સુધી ઉછળ્યા હતા.
શુગર શેરોમાં આવેલી આ એકાએક તેજી પાછળ એક મહત્વનું કારણ જવાબદાર છે. ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ISMA) દ્વારા 2026-27ના માર્કેટિંગ વર્ષ માટે ભારતના ખાંડ ઉત્પાદનમાં ઘટાડો થવાનો પ્રારંભિક અંદાજ મૂકવામાં આવ્યો છે. ISMAના અંદાજ મુજબ, 2026-27ની સીઝનમાં ભારતનું ચોખ્ખું ખાંડ ઉત્પાદન ઘટીને 265.21 લાખ ટન રહી શકે છે, જે અગાઉની સીઝનમાં 279.71 લાખ ટન હતું.
બજારના નિષ્ણાતોના મતે, શેરડીના વાવેતર વિસ્તારમાં થયેલો ઘટાડો, અપૂરતો ચોમાસાનો વરસાદ અને ખાસ કરીને મહારાષ્ટ્ર જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ઉત્પાદન ઘટવાની ભીતિએ ભવિષ્યમાં ખાંડના પુરવઠામાં તંગી ઊભી થવાના સંકેત આપ્યા છે. પુરવઠાની આ સંભવિત ખેંચને કારણે ખાંડના ભાવ મજબૂત રહેવાની ધારણાએ શુગર શેરોમાં જોરદાર લેવાલી નીકળી હતી.
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
