News of Thursday, 26th November 2026
મહિનામાં ખાંડના ભાવ 6% વધ્યા :ઉત્પાદન ઘટવાની અને સ્ટોક ઓછો રહેવાની આશંકા વચ્ચે મંત્રી પ્રહલાદ જોશી દ્વારા સમીક્ષા
પુરવઠો જાળવવા સરકારનો 35 લાખ ટન આયાત પર વિચાર :સત્રના અંતે ખાંડનો ભંડાર 35 થી 45 લાખ ટન સુધી રહી શકે

દેશમાં ખાંડના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. ઉત્પાદન અને ઘરેલુ ખપત વચ્ચેનો તફાવત વધી શકે તેવી શક્યતાઓને કારણે બજારમાં ચિંતાનો માહોલ છે. છેલ્લા એક મહિનામાં જથ્થાબંધ અને છૂટક બજારમાં ખાંડના ભાવમાં આશરે 6 ટકાનો વધારો નોંધાયો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર સતર્ક બની છે અને શેરડીના ઉત્પાદન, બફર સ્ટોક, ખપત તથા સંભવિત આયાતની જરૂરિયાત અંગે ઝીણવટભર્યું મૂલ્યાંકન કરી રહી છે.
કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે ખાંડના પુરવઠાની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. બજારની જરૂરિયાત અને પુરવઠાને સંતુલિત રાખવા માટે આગામી સમયમાં 25 થી 35 લાખ ટન ખાંડ આયાત કરવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે તેવી ધારણા સેવાઈ રહી છે.
ચાલુ સત્ર દરમિયાન ખાંડની કિંમતો મુખ્યત્વે ત્રણ પરિબળો પર આધાર રાખશે-
- દેશમાં કુલ ઉત્પાદન કેટલું થાય છે
- આયાત નીતિ અંગે સરકારનું વલણ શું રહે છે
- બજારમાં સ્ટોકની ઉપલબ્ધતા કેવી રહે છે
સમીક્ષા બેઠકમાં જથ્થાબંધ વેપારીઓ માટે સ્ટોક મર્યાદા નક્કી કરવા અને રિફાઈન્ડ ખાંડની આયાત કરવા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ છે, જેના પર અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી છે. હાલની ભાવવધારાની સ્થિતિ માત્ર માંગ વધવાને કારણે નથી, પરંતુ આવનારા મહિનાઓમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ રહેશે કે કેમ તે અંગેની અનિશ્ચિતતાનું પરિણામ છે.
2026-27ના સત્ર માટે વિવિધ સંસ્થાઓના અંદાજમાં ઉત્પાદનને લઈને સાવચેતીભર્યું ચિત્ર સામે આવ્યું છે-
ઈન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ઈસ્મા) ના અંદાજ મુજબ જો ઉત્પાદન 265 લાખ ટન રહે, તો 283 લાખ ટનની ખપત સામે ઘટ પડવાની શક્યતા રહે છે. ઉલ્લેખનીય છે કે આ સત્રમાં એથેનોલ ઉત્પાદન માટે ખાંડના ડાયવર્ઝન પર પ્રતિબંધ હોવા છતાં, ખપતની સરખામણીએ ઉત્પાદન પૂરતું ન રહે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
સૌથી મોટી ચિંતા 2026-27નું સત્ર પૂરું થાય ત્યારે બચતા અંતિમ સ્ટોકને લઈને છે. અંદાજ મુજબ સત્રના અંતે ખાંડનો ભંડાર 35 થી 45 લાખ ટન સુધી રહી શકે છે, જેમાં મંજૂર થયેલા 10 લાખ ટનના આયાત ક્વોટાનો પણ સમાવેશ થાય છે. તેની તુલનામાં ગત સત્રના અંતે સ્ટોક આશરે 48 લાખ ટન હતો. સ્ટોક ઘટવાની આ સીધી આશંકાની અસર અત્યારથી જ બજારના ભાવ પર દેખાવા લાગી છે.
મહારાષ્ટ્ર: છેલ્લા એક મહિનામાં ખાંડના સરેરાશ ભાવમાં આશરે 7.3 ટકાનો વધારો થયો છે. અહીં શેરડીની ઉપજ અને સુગર રિકવરી પર અસર પડવાની આશંકા છે.
કર્ણાટક: કર્ણાટકમાં પણ શેરડીના ઉત્પાદન અને સુગર રિકવરી ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશમાં પિલાણની ધીમી શરૂઆતે તેજીને ટેકો આપ્યો છે, જોકે અહીં ઉત્પાદન પ્રમાણમાં સ્થિર રહેવાનો અંદાજ છે.
આ ઉપરાંત તહેવારોની સીઝન દરમિયાન મજબૂત માંગે પણ ખાંડના ભાવને ઉપર ધકેલવામાં ભૂમિકા ભજવી છે.
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
