News of Wednesday, 18th November 2026
અચાનક વાંદરાએ કુદકો માર્યોઃ ગભરાઈ જતાં મહિલાને હાર્ટએટેકઃ મોત
રાજસ્થાનના કોટામાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી

કોટા તા.૧૮: રાજસ્થાનના કોટામાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં કંસુઆ વિસ્તારમાં વાનરના ખતરનાક હુમલા અને તેના ડરના કારણે એક ૨૮ વર્ષિય મહિલાનો જીવ ગયો. મૃતક મહિલાની ઓળખ રેનૂ ભટ્ટ તરીકે થઈ છે, જે પોતાના પરિવાર સાથે કંસુઆ વિસ્તારમાં રહેતી હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, રેનૂ રોજિદા કામ માટે પોતાના ઘરની છત પર કપડાં સુકવવા માટે ગઈ હતી. આ દરમ્યાન અચાનક વાનરની ટોળકીએ તેના પર હુમલો કર્યો. તે કંઈ સમજી શકે તે પહેલા એક વાનરે તેના ખભા પર છલાંગ લગાવી દીધી અને તેના ચહેરા પર હુમલો કર્યો.
વાનરના આ પ્રકારના હુમલાથી રેનૂ ગભરાઈ ગઈ અને ડરના કારણે અચાનક છત પરથી નીચે પડી. પરિવારના જણાવ્યા અનુસાર, વાનરના આ ભીષણ માનસિક આઘાતના કારણે મહિલાને ગંભીર સાઈલન્ટ એટે્ક આવ્યો, જેના કારણે તે ઘટનાસ્થળે જ બેભાન થઈ ગઈ. ઘટનાની જાણ થતાં પરિવારમાં હાહાકાર મચી ગયો અને તાત્કાલિક તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. જો કે ડોક્ટરે ઘણી મહેનત કરી છતાં મહિલાનો જીવ બચાવી શક્યા નહીં અને તેને મૃત જાહેર કરવામાં આવી.
આ હૃદયદ્રાવક ઘટના બાદ કન્સુઆ વિસ્તાર સહિત સમગ્ર કોટા શહેરમાં રખડતા અને હિસક વાંદરાઓના વધતા આતંકને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે શહેરની સોસાયટીઓ અને ઘરની છતો પર વાંદરાઓનાં ટોળાં સતત આક્રમક બની રહ્યાં છે. તેના કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો માટે ઘરની બહાર નીકળવું કે છત પર જવું પણ મુશ્કેલ બની ગયું છે.
વહીવટી તંત્ર અને નગર નિગમ દ્વારા અનેક દાવાઓ કરવામાં આવ્યા હોવા છતાં વાંદરાઓની વધતી સંખ્યા અને તેમના હુમલાઓ પર કોઈ નિયંત્રણ આવી રહ્યું નથી. આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર નગર નિગમની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
પીડિત પરિવાર સહિત શહેરના નાગરિકો હવે વહીવટી તંત્ર પાસે રખડતાં પશુઓ અને વાંદરાઓના આતંકનો કાયમી ઉકેલ લાવવાની જોરદાર માંગ કરી રહ્યા છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
