<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

ચીનના શેનઝોઉ-૨૪ અવકાશયાનનું સફળ જોડાણઃ બે ચીની અવકાશયાત્રીઓ સાથે ઝીશાન અલીએ અવકાશ મથકમાં પ્રવેશ કર્યો, વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધરશે

અવકાશમાં પાકિસ્‍તાને રચ્‍યો નવો ઇતિહાસઃ ૪૦ વર્ષીય વાયુસેનાના પાઇલટ મહંમદ ઝીશાન અલી ચીનના અવકાશ યાન દ્વારા અવકાશમાં પહોંચનારા વિશ્વના પ્રથમ વિદેશી અવકાશયાત્રી બન્‍યા : ચીનના જિયુક્‍વાન ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્‍દ્ર પરથી લોંગ માર્ચ-૨એફ રોકેટ દ્વારા શેનઝોઉ-૨૪ અવકાશયાનનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્‍યું હતું : સવારે ૯.૨૬ વાગ્‍યે અવકાશયાન તિયાંગોંગ અવકાશ મથક સાથે સફળતાપૂર્વક જોડાયું

બીજિંગ-ઇસ્‍લામાબાદ, તા. ૨૬: પાકિસ્‍તાને અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. પાકિસ્‍તાની વાયુસેનાના ૪૦ વર્ષીય પાઇલટ મહંમદ ઝીશાન અલી પૃથ્‍વીની ભ્રમણકક્ષામાં પહોંચનારા પ્રથમ પાકિસ્‍તાની અને ચીનના તિયાંગોંગ અવકાશ મથકમાં પ્રવેશ કરનારા વિશ્વના પ્રથમ વિદેશી અવકાશયાત્રી બન્‍યા છે.

બુધવારે ૨૫ નવેમ્‍બરે ભારતીય સમય મુજબ સવારે ૫.૪૮ વાગ્‍યે ચીનના જિયુક્‍વાન ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્‍દ્ર પરથી લોંગ માર્ચ-૨એફ રોકેટ દ્વારા શેનઝોઉ-૨૪ અવકાશયાનનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્‍યું હતું. પ્રક્ષેપણના ૩ કલાક અને ૩૮ મિનિટ બાદ સવારે ૯.૨૬ વાગ્‍યે અવકાશયાન તિયાંગોંગ અવકાશ મથક સાથે સફળતાપૂર્વક જોડાયું હતું.

ઝીશાન અલીની સાથે ચીનના ૫૧ વર્ષીય તાંગ હોંગબો અને ૩૯ વર્ષીય વુ યી પણ અવકાશમાં પહોંચ્‍યા છે. ભારતીય સમય મુજબ બપોરે ૧૨.૦૫ વાગ્‍યે ત્રણેય અવકાશયાત્રીઓએ અવકાશ મથકમાં પ્રવેશ કર્યો હતો.

ઝીશાન અલી અવકાશમાં જૈવપ્રૌદ્યોગિકી, વિવિધ સામગ્રી અને પ્રકાશસંશ્‍લેષણ કરતા સૂક્ષ્મજીવોને લગતા વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધરશે. ચીન અને પાકિસ્‍તાન સંયુક્‍ત રીતે ચાર સંશોધન યોજનાઓ ઉપર કામ કરશે. સમગ્ર શેનઝોઉ-૨૪ અભિયાન દરમિયાન આશરે ૯૦ વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધરવાનું આયોજન છે.

ઝીશાન અલી ટૂંકા ગાળાના અવકાશી અભિયાન બાદ અગાઉના શેનઝોઉ-૨૩ અવકાશયાન દ્વારા પૃથ્‍વી ઉપર પરત ફરશે. આ સફળતાથી પાકિસ્‍તાનમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ચીનના આંતરરાષ્ટ્રીય અવકાશ સહયોગના ક્ષેત્રમાં પણ આ ઘટનાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. 

(3:42 PM IST)