તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
દિલ્હીથી બિહાર સુધી વિદ્યાર્થીઓનું હલ્લાબોલઃ હિંસા-લાઠીચાર્જ
ટીયર ગેસ, પથ્થરમારો અને ‘બિહાર બંધ' વચ્ચે અફડાતફડી મચીઃ સિવાનમાં પરિસ્થિતિ કાબુ બહાર જતા હવાઈ ગોળીબાર શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે દેશભરમાં યુવાનો રસ્તા પર ઉતર્યા

નવી દિલ્હી, તા.૨૫: દેશની સૌથી મોટી તબીબી પ્રવેશ પરીક્ષા NEET માં કથિત પેપર લીક અને ગેરરીતિઓના મુદ્દે દેશભરના વિદ્યાર્થીઓનો આક્રોશ હવે વિસ્ફોટક મોડ પર પહોંચી ગયો છે. રાજધાની દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે હજારો વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનો એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે વાતાવરણ અચાનક અશાંત બની ગયું હતું. પ્રદર્શનકારીઓને આગળ વધતા રોકવા માટે પોલીસે સખત બેરિકેડિંગ કર્યું હતું, જેને તોડવાનો પ્રયાસ થતાં જ મામલો બિચકયો હતો. પરિસ્થિતિ વણસતાં પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા અને આકરો લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓ તરફથી પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર જંતર-મંતર વિસ્તાર રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો. આ આંદોલનની આંચ માત્ર દિલ્હી પૂરતી સીમિત ન રહેતાં, ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી ઝડપથી ફેલાઈ ગઈ છે. બિહારમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા આપવામાં આવેલા બિહાર બંધના આહ્વાનને પગલે રાજ્યના અનેક શહેરોમાં ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. પટના, ગયા, અને મુઝફ્ફરપુર જેવા પ્રમુખ વિસ્તારોમાં વિદ્યાર્થીઓએ રેલવે ટ્રેક અને રાષ્ટ્રીય રાજમાર્ગો બ્લોક કરી દીધા હતા. બિહારના વિવિધ વિસ્તારોમાં પણ પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે તીખી અથડામણ થઈ હતી, જેમાં સામસામે ભારે પથ્થરમારો અને ઝપાઝપી જોવા મળી હતી. દિલ્હી અને બિહાર ઉપરાંત ઉત્તરાખંડ અને કેરળ જેવા રાજ્યોમાં પણ હજારો યુવાનો શેરીઓમાં ઉતરી આવીને તીવ્ર વિરોધ નોંધાવી રહ્યા છે.
વિદ્યાર્થીઓની સ્પષ્ટ માંગ છે કે દેશની શિક્ષણ પ્રણાલીમાં મૂળભૂત અને કડક સુધારા કરવામાં આવે તેમજ NEET કૌભાંડની નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપે. વર્ષોની મહેનત પાણીમાં ગઈ હોવાની લાગણી સાથે યુવાનોમાં ભારે રોષ અને નિરાશા વ્યાપેલી છે. સરકાર અને પોલીસ ભલે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હોય, પરંતુ દિલ્હીથી બિહાર સુધી ફેલાયેલી આ અશાંતિ એ વાતની સ્પષ્ટ સાબિતી છે કે જો વિદ્યાર્થીઓની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આ આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
