<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

અમેરિકાના મજબૂત જોબ ડેટાથી સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: સ્થાનિક બજારમાં ચાંદી રૂ. ૩૮૦૬ અને સોનું રૂ. ૨૧૮૧ તૂટ્યું!

યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની શક્યતા મજબૂત બનતાં વૈશ્વિક બુલિયન માર્કેટમાં મંદીનું મોજું; લંડનથી મુંબઈ સુધી કિંમતી ધાતુઓમાં ભારે વેચવાલી

મુંબઈ : અમેરિકામાં રોજગાર વૃદ્ધિના ડેટા અપેક્ષા કરતાં વધુ મજબૂત આવતાં અને બેરોજગારીનો દર ૪.૧ ટકાના સ્તરે સ્થિર રહેતાં વૈશ્વિક સોના-ચાંદીના બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. યુએસ ફેડરલ રિઝર્વ આગામી ૧૫-૧૬ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરી શકે છે તેવી ચિંતા વચ્ચે વિશ્વ બજારમાં ડૉલર મજબૂત થતાં લંડનથી લઈને સ્થાનિક ઝવેરી બજાર સુધી સોના અને ચાંદીના ભાવ ગગડી ગયા છે.

 

સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદી (૯૯૯ ટચ) માં સ્ટોકિસ્ટો અને ઔદ્યોગિક વપરાશકારોની નવી લેવાલીનો અભાવ જોવા મળતાં હાજરમાં તેનો ભાવ કિલોદીઠ રૂ. ૩,૮૦૬ ના મોટા ઘટાડા સાથે રૂ. ૨,૩૧,૬૫૦ ની સપાટીએ પહોંચી ગયો છે. તે જ પ્રમાણે, સોનામાં પણ રિટેલ અને રોકાણકારોની માગ મર્યાદિત રહેતાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનું ૧૦ ગ્રામદીઠ રૂ. ૨,૧૭૨ ઘટીને રૂ. ૧,૫૨,૦૯૨ અને ૯૯૯ ટચ સોનું રૂ. ૨,૧૮૧ ના ઘટાડા સાથે રૂ. ૧,૫૨,૭૦૩ ની સપાટીએ બંધ રહ્યું હતું.

 

વૈશ્વિક સ્તરે લંડન બજારમાં સોનાના ભાવ ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૪૩૯૨.૮૮ ડૉલર અને ચાંદીના ભાવ એક ટકો ઘટીને ૬૫.૪૮ ડૉલર આસપાસ ક્વોટ થઈ રહ્યા હતા. કોમોડિટી વિશ્લેષકોના જણાવ્યા મુજબ, હાલમાં ડૉલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડ મજબૂત થવાથી સોના પર દબાણ છે. હવે બજારની નજર આ સપ્તાહે જાહેર થનારા અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ (PPI) અને કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) ના ડેટા પર ટકેલી છે.

 

(8:17 PM IST)