તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
મજબૂત ડૉલર અને યુએસ ટ્રેઝરી યિલ્ડથી સોના-ચાંદીમાં મોટો ઘટાડો: વૈશ્વિક બજાર પાછળ સ્થાનિક બજારમાં પણ સુસ્તી
અમેરિકી ફુગાવા અને રોજગારીના મિશ્ર આંકડા વચ્ચે ફેડરલ રિઝર્વની નીતિ તથા મજબૂત ડૉલરના કારણે કિંમતી ધાતુઓના ભાવ પર દબાણ વધ્યું.

મુંબઈ: વૈશ્વિક બજારમાં મજબૂત ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની ઊંચી યિલ્ડના કારણે ગત સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં નરમાઈનો અન્ડરટોન જોવા મળ્યો હતો. અમેરિકામાં ઓગસ્ટના ફુગાવાના ડેટા અને સપ્ટેમ્બરના રોજગારીના મિશ્ર આંકડા જાહેર થયા બાદ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારા અંગેની અનિશ્ચિતતા ઊભી થઈ હતી. આ આર્થિક પરિબળોને કારણે વૈશ્વિક સ્તરે સોનામાં ૩.૪ ટકા અને ચાંદીમાં ૪ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો, જેની સીધી અસર સ્થાનિક ઝવેરી બજાર પર પણ પડી હતી.
સ્થાનિક બજારમાં ડોલર સામે રૂપિયો ૨૬ પૈસા નબળો પડીને ૯૬ની સપાટી ક્રોસ કરી જતાં આયાત પડતર વધી હતી, જેના કારણે વૈશ્વિક બજારની સરખામણીએ સ્થાનિકમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના આંકડા મુજબ સોનું સાપ્તાહિક ધોરણે ૨.૬૧ ટકા (રૂ. ૩,૯૭૫) ઘટીને પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૧,૪૮,૧૩૮ ની સપાટીએ બંધ રહ્યું હતું. જ્યારે ચાંદીમાં ૪.૯૫ ટકા (રૂ. ૧૧,૫૨૧) નો મોટો ઘટાડો નોંધાતાં પ્રતિ કિલો ભાવ રૂ. ૨,૨૦,૮૨૯ ના મથાળે બંધ રહ્યા હતા.
ગાંધી જયંતીની જાહેર રજા અને શ્રાદ્ધપક્ષની શરૂઆતના કારણે સ્થાનિક સ્તરે રિટેલ ગ્રાહકોની ખરીદી નિરસ રહી હતી. આ ઉપરાંત આગામી દિવસોમાં ભાવમાં હજુ વધુ ઘટાડો થશે તેવી આશાએ રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોએ પણ પોતાની લેવાલી મર્યાદિત રાખી હતી. અમેરિકામાં નોન-ફાર્મ પેરોલ ડેટામાં અપેક્ષિત ૯૦,૦૦૦ ની સામે માત્ર ૨૯,૦૦૦ નવી રોજગારી ઉમેરાતાં ઓક્ટોબરમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારાની શક્યતા નબળી પડી હતી, પરંતુ ડિસેમ્બરમાં દર વધારાની શક્યતા હજુ પણ ઊંચી જોવા મળી રહી છે.
બાજરી વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ઊંચા વ્યાજદર સોના જેવી બિન-ઉપજાઉ અસ્કયામતો પ્રત્યેનું આકર્ષણ ઘટાડે છે, જ્યારે મજબૂત ડૉલર વિદેશી ખરીદદારો માટે ખરીદી મોંઘી બનાવે છે. ટેકનિકલ દ્રષ્ટિએ વૈશ્વિક સોનાને આઉંસદીઠ ૪,૧૪૦ ડૉલરની સપાટીએ મજબૂત ટેકો મળી રહ્યો છે, જ્યારે ચાંદી ૫૫ થી ૬૫ ડૉલરની રેન્જમાં ટ્રેડ થઈ રહી છે. વાયદા બજારમાં સ્થાનિક સોનું રૂ. ૧,૪૬,૦૦૦ થી ૧,૫૪,૦૦૦ અને ચાંદી રૂ. ૨,૨૦,૦૦૦ થી ૨,૩૫,૦૦૦ ની રેન્જમાં રહેવાની ધારણા છે.
ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ (કોમેક્સ) પર હાજર સોનું ૦.૯ ટકા ઘટીને આઉંસદીઠ ૪,૧૪૦.૦૬ ડૉલર અને ચાંદી ૦.૮ ટકા ઘટીને ૬૦.૩૬ ડૉલરની સપાટીએ રહી હતી. વૈશ્વિક નાણાકીય નીતિઓ ઉપરાંત ભૂરાજકીય મોરચે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની દરખાસ્તના અહેવાલો તથા ક્રૂડ ઓઈલની અસ્થિરતા પણ કિંમતી ધાતુઓના ભાવ પર આગામી દિવસોમાં અસર કરતી રહેશે.
આગામી દિવસોમાં ફેડરલ રિઝર્વના સભ્યોના મંતવ્યો અને વ્યાજદર અંગેના નિર્ણયો પર રોકાણકારોની નજર રહેશે. ડૉલર ઈન્ડેક્સમાં થતી વધઘટ અને વૈશ્વિક રાજકીય ઘટનાક્રમો સોના-ચાંદીની ભાવિ દિશા નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવશે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
